હૈદરાબાદ ગૅન્ગરેપ : 72 કલાક પછી 3 પોલીસ સસ્પેન્ડ

02 December, 2019 12:49 PM IST  |  Hyderabad

હૈદરાબાદ ગૅન્ગરેપ : 72 કલાક પછી 3 પોલીસ સસ્પેન્ડ

હૈદરાબાદ ગેંગ રેપ

(જી.એન.એસ.) હૈદરાબાદમાં મહિલા વેટરિનરી ડૉક્ટર સાથે ગૅન્ગરેપ કરીને તેની નિર્મમ હત્યા કરવાના કૃત્યએ ભારતને ફરી એક વાર શર્મસાર કર્યો છે. હૈદરાબાદની પોલીસે હવે આ મામલે બેદરકારી વર્તવા બદલ પોલીસ-કરર્મચારીઓ પર કાર્યવાહી કરી છે. સાઇબરાબાદના પોલીસ-કમિશનર વી. સી. સજ્જનારે આ મામલે ત્રણ પોલીસ-કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સજ્જનારે જણાવ્યું હતું કે ‘27-28 નવેમ્બરની રાતે એક યુવતી ગુમ થઈ હોવાના મામલે શમશાબાદ પોલીસ-સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં વિલંબ અને ડ્યુટીમાં બેદરકારી વર્તવાના મામલે આજે વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. તપાસના આધારે સબ-ઇન્સ્પેક્ટર એમ. રવિકુમાર, હેડ કૉન્સ્ટેબલ પી. વેણુગોપાલ રેડ્ડી અને હેડ કૉન્સ્ટેબલ એ. સત્યનારાયણ ગૌડને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તેલંગણના હૈદરાબાદમાં એક વેટરિનરી ડૉક્ટરની સામૂહિક બળાત્કાર પછી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને દેશભરમાં લોકોમાં ગુસ્સો વ્યાપ્યો છે અને સરકાર પાસે લોકો દોષીઓને ફાંસીની સજાની માગણી કરી રહ્યા છે. હવે આ મામલે રાજ્યના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે જલદી સુનાવણી કરવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટનું ગઠન કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાનની કચેરીમાંથી જાહેર કરવામાં આવેલા આદેશાનુસાર કેસીઆરે આ ઘટનાને ભયાનક ગણાવી સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી કે સરકાર ડૉક્ટરના પરિવારના સભ્યોને આવશ્યક તમામ સહાય કરશે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

દોષીઓને ફાંસીની સજા મળવી જોઈએ:  મેનકા ગાંધી
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ કહ્યું કે દોષીઓને ફાંસીની સજા મળવી જોઈએ. આ ઘટના સભ્ય સમાજ માટે શરમજનક છે, જ્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે દેશમાં થઈ રહેલી રેપ અને હત્યાની ઘટનાઓ ચિંતાનો વિષય છે. ઘટનાઓને સાંભળીને દુઃખ થાય છે. એને વ્યક્ત કરવા માટે શબ્દ નથી. આપણે એક સમાજ તરીકે તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.

national news hyderabad Crime News