✕

બળાત્કારનો ભોગ બનેલી નાનકડી બાળકીની માગણી સ્વીકારીને જજે તેના નામે લખી એક હૃદયસ્પર્શી નોંધ

30 September, 2026 10:54 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

બળાત્કારનો ભોગ બનેલી નાનકડી બાળકીની માગણી સ્વીકારીને જજે તેના નામે લખી એક હૃદયસ્પર્શી નોંધ તું જેને અંકલ કહેતી હતી તે હવે ક્યારેય મુક્ત નહીં થાય

પ્રતીકાત્મક તસવીર

બળાત્કારનો ભોગ બનેલી એક નાનકડી બાળકીએ ટ્રાયલ કોર્ટમાં માગણી કરી હતી કે તેણે જે વ્યક્તિને અંકલ કહ્યા હતા તે જ્યાં સુધી ઘરડા ન થઈ જાય ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવામાં આવે. આ કેસની સુનાવણી કરનારાં રોહિણી કોર્ટનાં ઍડિશનલ સેશન્સ જજ રજની રંગાએ કાનૂની ભાષા બાજુ પર મૂકીને ચુકાદામાં તે બાળકીને એક અત્યંત લાગણીશીલ સંદેશ પાઠવ્યો હતો. હવે દિલ્હી હાઈ કોર્ટે આદેશ કર્યો છે કે જજનો આ સંદેશ અને વળતરની રકમ બે સપ્તાહમાં બાળકી સુધી પહોંચાડવામાં આવે.
દિલ્હી હાઈ કોર્ટનાં જસ્ટિસ પ્રતિભા એમ. સિંહ અને જસ્ટિસ દિનેશ ભટ્ટની બેન્ચે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ નોંધાયેલા આ કેસમાં સુમિત શાક્યની આજીવન કેદની સજા યથાવત્ રાખીને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસ ઑથોરિટી (DLSA)ને બાળકીને ૧૦.૫૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

બાળકીને નામ જજે લખેલી નોંધ

વહાલી દીકરી,
બેટા, આ કોર્ટે તારી વાત સાંભળી છે. જ્યારે તેં કહ્યું કે ‘જ્યાં સુધી અંકલ ઘરડા ન થઈ જાય ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવામાં આવે’ ત્યારે આ કોર્ટે એ સાંભળ્યું અને આ કોર્ટે તારી અપીલનો જવાબ આપ્યો છે.
આજે આ કોર્ટે આદેશ આપ્યો છે કે તું જેને ‘અંકલ’ કહેતી હતી તે હવે ક્યારેય મુક્ત નહીં થાય. તે બાકીની આખી જિંદગી એક પાંજરામાં જ રહેશે. તે એ પાંજરામાં જ ઘરડો થશે અને તે એ પાંજરામાં જ મરશે. તે હવે ક્યારેય તને, તારી નાની બહેનને કે અન્ય કોઈ પણ બાળકને નુકસાન નહીં પહોંચાડી શકે.
તું આ કોર્ટે જોયેલી અત્યાર સુધીની સૌથી બહાદુર નાનકડી દીકરી છે. તું કોર્ટમાં આવી, તારી સાથે ખરાબ વર્તન કરનાર તે માણસ તરફ તેં આંગળી ચીંધી અને તેં સાચું કહ્યું.
તું જેને ‘અંકલ’ કહેતી હતી તેણે તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે, પરંતુ તું ચૂપ ન રહી. તેં તારી માતાને વાત કરી અને તારામાં બોલવાની હિંમત હતી એના કારણે જ હવે તે ક્યારેય અન્ય કોઈ બાળકને નુકસાન નહીં પહોંચાડી શકે.
આ કોર્ટ તારું બાળપણ પાછું તો નથી આપી શકતી, પરંતુ કોર્ટ તને એ વચન જરૂર આપી શકે છે કે તારા શબ્દો સાંભળવામાં આવ્યા છે, તારી માગણી મંજૂર કરવામાં આવી છે. જે માણસે તને નુકસાન પહોંચાડ્યું છે તે હવે ક્યારેય એક મુક્ત માણસ તરીકે સૂરજ નહીં જોઈ શકે.
હવે બેટા, તું તારી જિંદગી જીવ. સ્કૂલ જા, મિત્રો બનાવ, હસ, રમ, સપનાં જો. આ કોર્ટ તારી હિંમત હંમેશાં યાદ રાખશે.

national news india Protection of Children from Sexual Offences Act POCSO delhi high court Crime News