✕

બિહારમાં હેલિકૉપ્ટરમાંથી રાહતસામગ્રી માથા પર પડી એટલે સિનિયર સિટિઝને જીવ ગુમાવ્યો

04 October, 2026 10:26 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

આ દુર્ઘટના અમનૌર પોલીસ-સ્ટેશનના પરશુરામપુર ગામમાં બની હતી.

પ્રતીકાત્મક તસવીર

બિહારના સારણ જિલ્લામાં પૂરના પ્રકોપને કારણે પૂરગ્રસ્તોને રાહતસામગ્રી પહોંચાડતા હેલિકૉપ્ટરમાંથી નીચે ફેંકવામાં આવેલા સામાનને કારણે ૬૦ વર્ષના અનિલકુમાર સિંહ નામના સિનિયર સિટિઝને જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના અમનૌર પોલીસ-સ્ટેશનના પરશુરામપુર ગામમાં બની હતી.

નેપાલમાં આવેલા પૂરને કારણે સારણ જિલ્લાનાં મકેર, અમનૌર અને પરસા ગામોમાં ચોતરફ પાણી ભરાયાં છે અને ગામ ટાપુમાં ફેરવાઈ ગયાં છે. આ વિસ્તારોમાં રોડમાર્ગે પહોંચવું અઘરું બન્યું હોવાથી હેલિકૉપ્ટરમાંથી રાહતસામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. આ ગામમાં ગઈ કાલે રાહતસામગ્રીનાં પૅકેટ નીચે ફેંકવામાં આવી રહ્યાં હતાં ત્યારે એક પૅકેટ અનિલ સિંહ પર પડ્યું હતું. આના કારણે તેઓ નીચે પડી ગયા હતા અને પછી હેલિકૉપ્ટરમાંથી ફેંકવામાં આવેલાં બીજાં કેટલાંક પૅકેટ તેમની છાતી પર પડ્યાં હતાં જેને કારણે તેમણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ ગામવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને છપરાની હૉસ્પિટલમાં મોકલી દીધો હતો.

હેલિકૉપ્ટરની હવાથી મહિલા છત પરથી નીચે પડી ગઈ
પરશુરામપુર ગામમાં રંભાદેવી નામની મહિલા તેનાં બે બાળકો સાથે છત પર ઊભી હતી અને હેલિકૉપ્ટરમાંથી રાહતસામગ્રી નીચે પડે એની રાહ જોઈ રહી હતી ત્યારે હેલિકૉપ્ટર તેની નજીકથી પસાર થતાં હવાના દબાણના કારણે તેણે બૅલૅન્સ ગુમાવ્યું હતું અને છત પરથી બાજુના મકાન પર પડી ગઈ હતી. તેની કમરમાં ગંભીર ઈજા થઈ છે. તેનાં બન્ને બાળકો પણ નીચે પડતાં તેમના પગમાં ફ્રૅક્ચર થયાં છે. તમામને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

national news india bihar nepal