24 April, 2025 12:48 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
૩૨ વર્ષનો નીરજ ઉધવાની
મૂળ જયપુરનો ૩૨ વર્ષનો નીરજ ઉધવાની દુબઈમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. ૧૬ એપ્રિલે ચંડીગઢમાં તેના દોસ્તનાં લગ્ન માટે નીરજ પત્ની સાથે ભારત આવ્યો હતો. પહલગામના આતંકવાદી હુમલામાં નીરજે પણ જીવ ગુમાવ્યો હતો.
નામ પૂછ્યું અને ગોળી મારી દીધી
૧૬ એપ્રિલે નીરજ પત્ની સાથે ચંડીગઢ દોસ્તનાં લગ્નમાં આવ્યો એ પછીથી ૨૧ એપ્રિલે કાશ્મીર ફરવા નીકળી પડ્યો હતો. હુમલો થયો ત્યારે પત્ની આયુષી અને અન્ય ચાર લોકોની સાથે તે બૈસરનના મેદાનમાં હતો. આયુષીએ કહ્યું હતું, ‘આતંકવાદીઓ લોકોને રોકી-રોકીને પુરુષોનાં નામ પૂછતાં હતાં. તેમણે નીરજને માત્ર નામ પૂછ્યું. હું સામે આવી ગઈ તો મને હડસેલીને નીરજને ગોળી મારી દીધી.’
૨૦૨૩માં લગ્ન થયાં હતાં
કાશ્મીરથી નીરજ અને આયુષી દુબઈ જ જવાનાં હતાં. નીરજનાં લગ્ન ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં થયાં હતાં. નીરજની મમ્મીએ એક ઇન્ટરવ્યુમાં આતંકીઓને મૃત્યુદંડ આપવાની માગણી કરતાં કહ્યું છે કે આતંકવાદીઓને ફાંસી આપવી જોઈએ. ભારતમાં તો ભાઈચારો છે, કોઈ હિન્દુ આવું ક્યારેય નહીં કરે. નીરજ તો દોસ્તનાં લગ્નમાં આવ્યો હતો અને કાશ્મીર ફરવા નીકળી ગયો. મારી સોમવારે જ વાત થયેલી. તે પાંચ જ દિવસમાં દુબઈ જવાનો હતો.’
નીરજના પિતાનું મૃત્યુ ૧૦ વર્ષ પહેલાં થઈ ચૂક્યું છે અને હવે દીકરો પણ ગુમાવતાં તેઓ ભાંગી પડ્યાં હતાં.