ભારે વરસાદ બાદ મહાબળેશ્વર-લવાસા પ્રવાસીઓ માટે બંધ

07 August, 2019 11:33 AM IST  | 

ભારે વરસાદ બાદ મહાબળેશ્વર-લવાસા પ્રવાસીઓ માટે બંધ

 

છેલ્લા કેટલાક સમયથી મુંબઈગરાઓનાં પ્રિય હિલ સ્ટેશનો મહાબળેશ્વર અને લવાસામાં ભારે વરસાદ પડવાથી અહીંના રસ્તાઓ પર અવારનવાર લૅન્ડસ્લાઇડ થવાની ઘટનાઓ બની રહી છે. આને લીધે પ્રવાસીઓ જોખમમાં મુકાઈ શકે છે એટલે આ બન્ને પ્રવાસન સ્થળ બંધ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈથી ઊંચાઈએ આવેલા મહાબળેશ્વર જવા માટે પોલાદપુરનો રસ્તો સલામતી માટે ૨૪ કલાકથી બંધ કરવામાં આવ્યો છે. જોકે વાઈ-ખંડાલા માર્ગ ચાલુ હોવાથી લોકોની અવરજવર ત્યાંથી હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.
મહાબળેશ્વરમાં જવા માટે વાઈ અને પોલાદપુર એમ બે માર્ગ છે. મુંબઈથી જનારાઓ માટે પોલાદપુરનો રસ્તો નજીક પડતો હોવાથી મોટા ભાગના લોકો આ માર્ગ પસંદ કરે છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસે જણાવ્યા મુજબ સોમવારની સાંજે આ માર્ગ પર ભારે વરસાદને લીધે અનેક સ્થળે લૅન્ડસ્લાઇડ થવાથી બંધ કરી દેવામાં આવ્યો છે.
મહાબળેશ્વરમાં ડ્રાયફ્રૂટ્સની શૉપ ધરાવતા ખિખુભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ૪૮ કલાકમાં અહીં ૨૭ ઇંચ વરસાદ પડ્યો છે. અત્યારે પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે. અહીં સાધારણ રીતે આખા ચોમાસામાં સરેરાશ ૨૫૦ ઇંચ વરસાદ પડે છે. આ વર્ષે હજી અડધું ચોમાસું પણ પૂરું નથી થયું ત્યાં ૨૧૫ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. આ વખતે લાગે છે કે અગાઉના બધા રેકૉર્ડ તોડીને ૩૦૦થી ૩૨૦ ઇંચ વરસાદ પડવાની શક્યતા છે.’ લવાસામાં પણ ઠેર-ઠેર લૅન્ડસ્લાઇડ થવાથી મુખ્ય માર્ગો જોખમી બનતાં પ્રવાસીઓને અહીં ન આવવાની ચેતવણી પ્રશાસને આપી હોવાનું જાણવા મળ્યું હતું. શનિવાર અને રવિવારે અહીં વરસાદની મજા માણવા મોટા પ્રમાણમાં યાત્રીઓ હતા જેઓ સોમવારે સવારે નીકળી ગયા હતા. ત્યાર બાદ વરસાદનું જોર વધ્યું હતું એટલે ટૂરિસ્ટો અટવાયા હોવાની શક્યતા નહીંવત્ હોવાનું સ્થાનિક પ્રશાસને કહ્યું હતું.

mumbai rains gujarati mid-day