25 December, 2025 10:22 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ભવ્ય રામ લલાની સોનાની મૂર્તિ
કર્ણાટકમાં તૈયાર કરવામાં આવેલી અને આશરે ૨૦૦ કરોડ રૂપિયાની કિંમત ધરાવતી ભવ્ય રામ લલાની સોનાની મૂર્તિનું અયોધ્યામાં આગમન થયું છે. આના કારણે રામજન્મભૂમિમાં શ્રદ્ધા અને ભક્તિનું વધુ એક ઐતિહાસિક પ્રકરણ ઉમેરાયું છે અને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચાયું છે. ૩૧ ડિસેમ્બરે તિથિ મુજબ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠની ઉજવણી થવાની છે. અયોધ્યામાં આ દિવ્ય મૂર્તિનું આગમન માત્ર એક ધાર્મિક ઘટના જ નથી, પણ ભારતીય સંસ્કૃતિ, કારીગરી અને સનાતન પરંપરાના ભવ્ય સ્વરૂપનું શક્તિશાળી પ્રતીક પણ છે.
રામ લલાની સુવર્ણ મૂર્તિની વિશેષતા
આશરે ૫૦૦ કિલોગ્રામ વજન ધરાવતી આ મૂર્તિ સોના, ચાંદી અને હીરાના દુર્લભ અને ખાસ પ્રકારના મિશ્રણથી બનાવવામાં આવી છે. એની ભવ્યતા, તેજ અને સૂક્ષ્મ કોતરણી એને ભારતમાં બનાવેલી સૌથી મૂલ્યવાન ધાર્મિક મૂર્તિઓમાંની એક બનાવે છે. મૂર્તિના ચહેરાના હાવભાવથી લઈને એનાં વસ્ત્રો અને આભૂષણો સુધી, દરેક પાસામાં નોંધપાત્ર કલાત્મક કૌશલ્ય પ્રદર્શિત થાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ એનું નિર્માણ પરંપરાગત ભારતીય શિલ્પ કારીગરીનો ઉત્તમ નમૂનો છે.
કયા કલાકારે બનાવી છે?
કર્ણાટકની જયશ્રી ફણિશે રામ લલાની આ અદ્ભુત મૂર્તિ બનાવી છે. એને માણેક, પન્ના, પરવાળા, હીરા, મોતી અને સોનાથી શણગારવામાં આવી છે. આ મૂર્તિ થાંજાવુર પેઇન્ટિંગ શૈલીમાં તૈયાર કરવામાં આવી છે. એનું કદ પણ ભવ્ય છે. રામ લલાની મૂર્તિ ૧૦ ફુટ ઊંચી, ૬ ફુટ પહોળી અને ૨.૫ ફુટ ઊંડી છે. એનું વજન ૫૦૦ કિલોગ્રામ છે. મૂર્તિને સુરક્ષિત રાખવા માટે સીસમના લાકડાની ફ્રેમ પસંદ કરવામાં આવી હતી.
કિંમત કેટલી છે?
મ્યુઝિયમમાં રાખવામાં આવનારી આ મૂર્તિની અંદાજિત કિંમત ૨૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
કેટલા દિવસ લાગ્યા?
જયશ્રી ફણિશે આપેલી જાણકારી મુજબ રામ લલાની આ ભવ્ય પ્રતિમા બનાવવામાં ૨૮૩૨ કલાક લાગ્યા હતા. એને પૂર્ણ કરવામાં લગભગ ૯ મહિના લાગ્યા હતા. રામ લલાની મૂર્તિને કર્ણાટકથી અયોધ્યા સુધી પહોંચાડવામાં ૬ દિવસ લાગ્યા હતા. મૂર્તિની ૧૯૦૦ કિલોમીટરની મુસાફરી વખતે કડક સુરક્ષાવ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
ભવ્ય છે મૂર્તિનું સ્વરૂપ
આ મૂર્તિની એક અનોખી વિશેષતા એ છે કે એ રામ લલા સાથે દશાવતાર, ગરુડ, બ્રહ્મા, શિવ, આંજનેય, નંદી, નવગ્રહ, શંખ, ચક્ર, સ્વસ્તિક વગેરેનું સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે આ કલાકૃતિ સ્વીકારી હોવાનું જાણવા મળ્યું છે અને એનું અનાવરણ ૨૯ ડિસેમ્બરે કરવામાં આવશે.