કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ: પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું…આ બંધારણ હત્યા દિવસ છે

26 June, 2025 06:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

50 years of Emergency: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસની ટીકા કરી છે; તેમણે કહ્યું કે… લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, બંધારણનો નાશ કરવામાં આવ્યો; કોંગ્રેસ પર પ્રેસની સ્વતંત્રતા છીનવાનો આરોપ

પીએમ નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

કટોકટીને ૫૦ વર્ષ વીતી ગયા છે. આજે કટોકટીની ૫૦મી વર્ષગાંઠ (50 years of Emergency) છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ તે સમયગાળાને યાદ કર્યો છે અને સોશ્યલ મીડિયા (Social Media) પર લાંબી પોસ્ટ કરી છે.

કટોકટીને ૫૦ વર્ષ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi on 50 years of Emergency)એ એક્સ પર લખ્યું છે કે, ‘ભારતના લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંના એક, કટોકટી લાદ્યાને આજે પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ભારતના લોકો આ દિવસને બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે, ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને બાજુ પર રાખવામાં આવ્યા હતા. મૂળભૂત અધિકારો સસ્પેન્ડ કરવામાં આવ્યા, પ્રેસની સ્વતંત્રતા દબાવવામાં આવી અને ઘણા રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. એવું લાગતું હતું કે તે સમયે સત્તામાં રહેલી કોંગ્રેસ સરકાર દ્વારા લોકશાહીને બંધક બનાવવામાં આવી હતી.’

તેમણે આગળ લખ્યું છે, ‘આપણી સરકાર કટોકટી સામે લડવા માટે ઉભા થયેલા દરેકને સલામ કરીએ છીએ! આ લોકો ભારતભરમાંથી, દરેક ક્ષેત્રના, વિવિધ વિચારધારાઓના હતા, એક જ હેતુ માટે એકબીજા સાથે મળીને કામ કરી રહ્યા હતા. ભારતના લોકશાહી માળખાનું રક્ષણ કરવા અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે આદર્શો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું તેને જાળવી રાખવા માટે. તેમના સામૂહિક સંઘર્ષે જ સુનિશ્ચિત કર્યું કે તત્કાલીન કોંગ્રેસ સરકારને લોકશાહી પુનઃસ્થાપિત કરવી પડી અને નવી ચૂંટણીઓ યોજવી પડી, જેમાં તેઓ ખરાબ રીતે હારી ગયા.’

‘અમે આપણા બંધારણના સિદ્ધાંતોને મજબૂત કરવા અને વિકસિત ભારતના આપણા સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કરીએ છીએ. આપણે પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરીએ અને ગરીબો અને વંચિતોના સપનાઓને પૂર્ણ કરીએ.’, એમ પીએમ મોદીએ લખ્યું છે.

કટોકટી દરમિયાન નરેન્દ્ર મોદી યુવાન હતા. આ સમયગાળા દરમિયાન તેમની ભૂમિકા અને તેમના મિત્રોના અનુભવો પર એક પુસ્તક પ્રકાશિત થયું છે. બ્લુક્રાફ્ટ પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ `ધ ઇમરજન્સી ડાયરીઝ - યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર` (The Emergency Diaries – Years that Forged a Leader) છે. પુસ્તકનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ લખ્યું છે, ‘કટોકટી લાદવામાં આવી ત્યારે હું RSSનો યુવા પ્રચારક હતો. કટોકટી વિરોધી આંદોલન મારા માટે શીખવાનો અનુભવ હતો. તેણે આપણા લોકશાહી માળખાને જાળવવાના મહત્વને ફરીથી સમર્થન આપ્યું. ઉપરાંત, મને રાજકીય ક્ષેત્રના લોકો પાસેથી ઘણું શીખવા મળ્યું. મને ખુશી છે કે બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશને તેમાંથી કેટલાક અનુભવોને એક પુસ્તકમાં સંકલિત કર્યા છે જેની પ્રસ્તાવના એચ.ડી. દેવગૌડાજી દ્વારા લખાઈ છે, જેઓ પોતે કટોકટી વિરોધી ચળવળના દિગ્ગજ નેતા હતા.’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે `ધ ઇમરજન્સી ડાયરીઝ - યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર` આ પુસ્તકનું વિમોચન કરશે. પુસ્તકમાં ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડા દ્વારા લખાયેલ એક ખાસ પ્રસ્તાવના પણ શામેલ છે.

narendra modi emergency congress rashtriya swayamsevak sangh national news news