12 September, 2025 10:41 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હી પોલીસે ૪ જુદાં-જુદાં રાજ્યોમાં દરોડા પાડીને ISISના સ્લીપર સેલના પાંચ સંદિગ્ધ આતંકવાદીઓને પકડી પાડ્યા હતા.
દિલ્હી પોલીસે એક મોટા આતંકવાદી હુમલાને ખાળી દીધો હતો. ગઈ કાલે અલગ-અલગ રાજ્યોમાંથી ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકવાદીઓ પાસેથી વિસ્ફોટકો બનાવવાનો સામાન અને દિલ્હીના નકશા મળી આવ્યા હતા.
દિલ્હી પોલીસે દિલ્હીમાંથી બે તથા ઝારખંડ, હૈદરાબાદ અને મધ્ય પ્રદેશમાંથી એક-એક આતંકવાદીને પકડી પાડ્યા હતા. આ આતંકવાદીઓનાં ઠેકાણાંઓ પરથી વિસ્ફોટકો બનાવવાના સામાન ઉપરાંત બંદૂક, અન્ય હથિયારો, કેમિકલ વિસ્ફોટકો સહિતની અનેક સંદિગ્ધ સામગ્રી મળી આવી હતી. તેમની પાસેથી ઢગલાબંધ ડિજિટલ ડિવાઇસિસ પણ મળી આવ્યાં હતાં. આ પાંચે આતંકવાદીઓ ISISના સ્લીપર સેલ સાથે જોડાયેલા હતા અને દેશમાં મોટો આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં હતા. તેમની સાથે અન્ય લોકો પણ જોડાયેલા છે. તેમની શોધખોળ તેમ જ વધારે તપાસ ચાલી રહી છે.