વસ્તીગણતરીની તૈયારીઓ શરૂ

10 December, 2025 07:15 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

તમામ રાજ્યોને ૧૫ જાન્યુઆરી સુધીમાં સ્ટાફની નિમણૂક કરવાનો આદેશ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતના રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયા (RGI)એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૨૦૨૬ની ૧૫ જાન્યુઆરી સુધીમાં વસ્તીગણતરી માટેના કર્મચારીઓની ભરતી પૂરી કરવાનો આદેશ આપ્યો છે. આ વિશે જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં જણાવાયું છે કે વસ્તીગણતરી દરમ્યાન ડેટા-સંગ્રહ માટે ગણતરીકારો (એન્યુમરેટર્સ) અને સુપરવાઇઝર જવાબદાર રહેશે.

સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે એક એન્યુમરેટરને આશરે સાતસોથી ૮૦૦ લોકોની વસ્તીગણતરી સોંપવામાં આવશે અને દર ૬ એન્યુમરેટર માટે એક સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવશે. વધુમાં કોઈ પણ કટોકટી માટે ૧૦ ટકા અનામત એન્યુમરેટર અને સુપરવાઇઝર રહેશે. રજિસ્ટ્રાર જનરલે જણાવ્યું હતું કે વસ્તીગણતરી નિયમ ૧૯૯૦ના નિયમ ૩ અનુસાર શિક્ષકો, ક્લર્ક અથવા રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટના કોઈ પણ અધિકારીને એન્યુમરેટર તરીકે નિયુક્ત કરી શકાય છે, જ્યારે સુપરવાઇઝર સામાન્ય રીતે એન્યુમરેટર કરતાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હોય છે.

૨૦૨૭માં યોજાનારી વસ્તીગણતરી દરમ્યાન દેશભરમાં વસ્તીગણતરીના કાર્ય માટે લગભગ ૩૪ લાખ ફીલ્ડ કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે.

બે તબક્કામાં વસ્તીગણતરી થશે
વસ્તીગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઘરની યાદી અને રહેઠાણની ગણતરી હશે જે એપ્રિલ અને સપ્ટેમ્બર ૨૦૨૬ વચ્ચે થશે. બીજો તબક્કો વસ્તીગણતરીનો હશે જે ફેબ્રુઆરી ૨૦૨૭માં થશે. વસ્તીગણતરી ફેબ્રુઆરી ૨૦૨૭માં હાથ ધરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષાને ધ્યાનમાં રાખીને વસ્તીગણતરી સપ્ટેમ્બર ૨૦૨૬માં હાથ ધરવામાં આવશે.

national news india indian government