24 September, 2025 07:06 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
એમાં આરોપ લગાવાઈ રહ્યો છે કે ઘણી કંપનીઓ અને દુકાનદાર પ્રોડક્ટ્સ અને સર્વિસ માટે GSTમાં મળતો લાભ ગ્રાહક સુધી નથી પહોંચાડતાં
સોમવારે નવરાત્રિના પહેલા જ દિવસે GST બચત ઉત્સવનો પ્રારંભ થયો એ પછી સરકાર લોકોને કહી રહી છે કે જો કોઈ કંપની, દુકાનદાર કે ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ GSTનો લાભ કસ્ટમરને પાસ-ઑન ન કરે તો એની ફરિયાદ કરો.
NDTV પ્રૉફિટના એક રિપોર્ટ મુજબ કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીને GST 2.0ના પહેલા જ દિવસે ગ્રાહકો પાસેથી ૧૦૦થી વધુ ફરિયાદો મળી છે. એમાં આરોપ લગાવાઈ રહ્યો છે કે ઘણી કંપનીઓ અને દુકાનદાર પ્રોડક્ટ્સ અને સર્વિસ માટે GSTમાં મળતો લાભ ગ્રાહક સુધી નથી પહોંચાડતાં.
આ ફરિયાદો GST ફરિયાદ નિવારણ સુવિધાના માધ્યમથી નોંધવામાં આવી છે. ગ્રાહકો પોતાની ફરિયાદ નૅશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) નંબર ૧૯૧૫ પર ફોન કરીને તેમ જ NCH મોબાઇલ ઍપ, ઑફિશ્યલ વેબ પોર્ટલ, વૉટ્સઍપ, SMS, ઈ-મેઇલ અને ઉમંગ ઍપ દ્વારા રજિસ્ટર કરી શકે છે.
કન્ઝ્યુમર્સ અફેર સેક્રેટરી નિધિ ખરેએ કંપનીઓ અને દુકાનદારોને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘જે કંપનીઓ GSTને કારણે થતો લાભ ગ્રાહકોને નહીં આપે તેમની સામે સ્ટ્રિક્ટ ઍક્શન લેવામાં આવશે. જો અમને લાગશે કે ઘટેલા GSTનો ફાયદો પાસ-ઑન નથી થઈ રહ્યો તો એ અન્યાયપૂર્ણ વ્યવહાર કહેવાશે.’