30 July, 2025 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાંથી ચોંકાવનાર સમાચાર સામે આવી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના હુગલીમાં રહેનારી ૨૦ વર્ષની યુવા સિંગર સંગીતા ચક્રવર્તીનું મુંબઈમાં રહસ્યમય રીતે મોત થયું છે. રિપોર્ટ અનુસાર સંગીતા મનાડી એરિયામાં આવેલા એક યોગ આશ્રમમાં રહેતી હતી. સોમવારે તેના પરિવારને ખબર મળ્યાં હતા કે તેઓની દીકરી એક દુર્ઘટનાનો ભોગ બની છે. પરંતુ આ યુવા ગાયિકાનું મૃત્યુ કઈ રીતે થયું છે તે અંગે કોઈ ચોખવટ થઇ નથી.
આમ અચાનકથી યુવા ગાયિકા સંગીતાના મૃત્યુના સમાચારથી તેના વતનવિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બાબતે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અસિત મજૂમદાર અને કોર્પોરેટર ઇન્દ્રજીત દત્તાએ મુંબઈ પોલીસને આ ઘટના પાછળના રહસ્યને ઉકેલવાની માંગ કરી છે. સ્થાનિક ધારાસભ્ય અસિત મજૂમદારે આ ઘટના મામલે જણાવ્યું હતું કે તેમની પાર્ટીના સ્થાનિક નેતા સુજન બંધુ ઘોષ અને સ્થાનિક કોર્પોરેટર મમ્પી માઝીએ તેઓને ફોન પર જણાવ્યું હતું કે મુંબઈમાં સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલ તેમના જ વિસ્તારની એક યુવતીને જળાશયમાં ડુબાડીને મારી નાખવામાં આવી છે. આ સમાચાર મળ્યાં બાદ તેઓએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. તેઓએ આ યુવતીના પિતા સાથે પણ ફોન પર વાત કરીને આખી ઘટના અંગે જાણકારી મેળવી હતી. ત્યારે આ યુવતીના પિતા પોતાની દીકરીના પાર્થિવ દેહને લઈને મુંબઈ એરપોર્ટ પર હતા. જ્યારે તેઓ તેમના વતન ચુચુરા પાછા આવશે ત્યારે ચોક્કસ માહિતી મળી રહેશે. તેમણે મુંબઈ પોલીસને પણ આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાનું જણાવ્યું છે.
હુગલીની આ દીકરી અને આશાસ્પદ યુવા ગાયિકા સંગીતા ચક્રવર્તીના અચાનક થયેલા મૃત્યુને દુઃખદ ગણાવીને તૃણમૂલના કાઉન્સિલર ઇન્દ્રજીત દત્તાએ કહ્યું કે મુંબઈ પોલીસે આ મામલાની તપાસ કરવી જોઈએ અને રહસ્યને ઉકેલવું જોઈએ. સંગીતાને બાળપણથી જ સંગીત અને ગાયનનો ખૂબ શોખ હતો તે આ ક્ષેત્રમાં અગલ આવવા માગતી હતી.
સંગીતા ચક્રવર્તીના પિતા દિલીપ ચક્રવર્તી મંગળવારે સવારે મુંબઈ માટે રવાના થયા હતા અને પોતાની દીકરીના પાર્થિવદેહને લઈને વતન આવશે. અહેવાલો અનુસાર આ યુવા ગાયિકા એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. તેણે એક ગીત પણ ગાયું હતું. વિવિધ કાર્યક્રમોમાં પરફોર્મન્સ આપીને લોકોનો અપાર પ્રેમ અને પ્રોત્સાહન પણ મેળવ્યું હતું. આમ અચાનકથી યુવતીના મોતના સમાચાર સાંભળીને પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આમ, મૂળ હુગલીની યુવાન ગાયિકા સંગીતા ચક્રવર્તીનું મુંબઈમાં રહસ્યમય સંજોગોમાં અવસાન થયા બાદથી ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ તેના વતન શહેર ચુચુરામાં લોકો શોકમાં સરી પડ્યા છે. આખરે કઈ રીતે તેનું મોત થયું તે તપાસ માગી લે છે.