મહારાષ્ટ્રમાં હીટવેવ અને કમોસમી વરસાદ બન્ને માટે યલો અલર્ટ

23 April, 2026 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુણે અને સાંગલીમાં કરા પડ્યા, નાગપુર અને અકોલામાં કાળઝાળ ગરમી

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં છેલ્લા ૧૫ દિવસથી ગરમી અને કમોસમી વરસાદની મિક્સ સીઝન થઈ ગઈ છે. આગામી થોડા દિવસોમાં પ્રી-મૉન્સૂનની અસર પણ વર્તાય એવી શક્યતા છે. એટલે વેસ્ટર્ન મહારાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદની અસર થશે, પણ વિદર્ભ જેવા પ્રદેશોને ગરમીમાં રાહત મળશે નહીં. નાગપુર, અકોલા, અમરાવતી અને ચંદ્રપુર સહિતના પૂર્વીય જિલ્લાઓ મોટા ભાગે શુષ્ક રહેવાની ધારણા છે અને છૂટાંછવાયાં સ્થળોએ હીટવેવની સ્થિતિ થવાની શક્યતા છે.

બુધવારે પુણે અને સાંગલીમાં તોફાની વરસાદ રહ્યો હતો. કરા અને તેજ પવન સાથે ઝાપટાં પડતાં મિશ્ર વરસાદી માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગે બુધવારે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર કરી હતી. પુણે અને આસપાસના ઘાટ વિસ્તારો, કોલ્હાપુર, સાતારા, સાંગલી અને સોલાપુરમાં વરસાદની યલો અલર્ટ પચીસ એપ્રિલ સુધી રહેશે.

મુંબઈ અને થાણેમાં આજે ગરમ ​​અને ભેજવાળા વાતાવરણ સાથે ગરમીની યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે. આવતી કાલે વરસાદની નહીંવત્ શક્યતા છે, પરંતુ હવામાન ખાતાની આગાહી મુજબ ગરમીનું પ્રમાણ મુંબઈ, થાણે અને પાલઘરમાં યથાવત્ રહેશે.

mumbai news mumbai maharashtra news maharashtra Weather Update mumbai weather indian meteorological department mumbai rains pune sangli