21 December, 2023 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હિંસક ઘટનાઓની ભરમારવાળી ફિલ્મ ‘ઍનિમલ’ ધૂમ મચાવી રહી છે ત્યારે રાજ્યના યવતમાળમાં એક માથાફરેલ યુવકે પત્ની, સસરા અને બે સાળાની ધારદાર શસ્ત્ર વડે હત્યા કરવાની ઘાતક ઘટના બની છે. મંગળવાર રાતે હત્યારો અચાનક સાસરે પહોંચ્યો હતો અને તેણે ચારેચાર જણને ધારદાર શસ્ત્રથી રહેંસી નાખ્યા હતા. તેમની ‘બચાવો-બચાવો’ની બૂમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા ત્યારે તેમણે ઘરમાં લોહીના ખાબોચિયા વચ્ચે ચાર જણને પડેલા તેમ જ હત્યારાની સાસુને ગંભીર હાલતમાં પડેલાં જોયાં હતાં. લોકોને આવેલા જોઈને હત્યારો ભાગી ગયો હતો, જેને પોલીસે એક જ કલાકમાં પકડી લીધો હતો. પત્નીના અનૈતિક સંબંધ હોવાનું અને તે પિયર જતી રહી હતી એટલે ગુસ્સામાં આ સામૂહિક હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
પોલીસે જણાવ્યા મુજબ યવતમાળના કળંબ તાલુકાના તીરઝડા પારધી વિસ્તારમાં ગોવિંદ વીરચંદ પવાર પત્ની રેખા સાથે રહેતો હતો. ગોવિંદને પત્નીના ચારિત્ર પર શંકા હતી એટલે પત્ની સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા. ક્યારેક તે પત્નીની મારઝૂડ પણ કરતો હતો એથી પત્ની રેખા તેના નજીક આવેલા પિયરે જતી રહી હતી.
પોતાને કહ્યા વિના પત્ની પિયર જતી રહી અને પત્નીનાં માતા-પિતા તેને છાવરી રહ્યાં હોવાના ગુસ્સામાં મંગળવારે ગોવિંદ પવાર તેનાં સાસરિયાંના ઘરે પહોંચી ગયો હતો. એ પછી તેનો અને સાસરિયાંઓ વચ્ચે ઝઘડો થયો હતો. એ દરમ્યાન ગોવિંદે પત્ની રેખા, સસરા પંડિત ભોસલે, સાળાઓ જ્ઞાનેશ્વર અને સુનીલ પર ધારદાર શસ્ત્રથી સપાસપ ઘા મારીને તેમનાં ગળાં કાપી નાખ્યાં હતાં. એ પછી બધાને બચાવવા ગયેલાં સાસુ રુખ્મા ઉપર પણ ગોવિંદે હુમલો કર્યો હતો. તેમણે બચાવવા માટે બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, પણ એટલી વારમાં ચાર જણના રામ રમી ગયા હતા અને સાસુ રુખ્માબાઈ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
એકસાથે ચાર લોકોની હત્યા કરવામાં આવી હોવાની જાણ કરાતાં કળંબ પોલીસની વરિષ્ઠ અધિકારી સાથેની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. દરમ્યાન હત્યારો ગોવિંદ પવાર પલાયન થઈ ગયો હતો. પોલીસે મૃતદેહનો તાબો લઈને હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યા હતા અને રુખ્માને હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યાં હતાં. તેમની હાલત ગંભીર છે. જોકે ઘટનાના એકાદ કલાકમાં જ પોલીસે હત્યારા ગોવિંદ પવારને ઝડપી લીધો હતો.
ચારિત્ર પર શંકા
ગોવિંદ પવારે શા માટે એકસાથે પત્ની સહિત સાસરિયાંની હત્યા કરી હતી? એ વિશે કળંબ પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ સુરેશ સાભળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હત્યારા ગોવિંદને તેની પત્ની રેખાના ચારિત્ર પર શંકા હતી એટલે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ક્યારેક ગોવિંદ પત્નીની મારઝૂડ પણ કરતો હતો. થોડા સમય પહેલાં ગોવિંદે પત્નીની મારઝૂડ કરતાં તે નજીકમાં આવેલા તેના પિયરે જતી રહી હતી. ગોવિંદે તેને પાછી આવવા માટે અનેક ફોન કર્યા હતા, પરંતુ તે અને તેનાં સાસરિયાં માનતાં નહોતાં. એટલે મંગળવારે રાતે આઠેક વાગ્યે તે સાસરિયાંના ઘરે ગયો હતો. ત્યાં તેણે પત્ની રેખાને પાછી આવવાનું કહ્યું, પરંતુ તે અને તેનાં સાસરિયાં એમ કરવા તૈયાર નહોતાં એથી ગુસ્સે ભરાયેલા ગોવિંદે ચારેય જણનાં ગળાં કાપીને હત્યા કરી હતી. વચ્ચે આવેલાં સાસુ ઉપર પણ તેણે હુમલો કર્યો હતો. અમે હત્યા કરવાના આરોપસર ગોવિંદ પવારની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે પત્નીનું ચારિત્ર સારું ન હોવા છતાં તેનાં સાસરિયાં તેને સપોર્ટ કરી રહ્યાં હતાં એટલે તેમની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. જોકે અમે બીજા ઍન્ગલથી પણ આ સામૂહિક હત્યાની તપાસ હાથ ધરી છે.’