WRએ દરવાજો બ્લૉક કરનારા, ફેરિયાઓ અને અન્યો પાસેથી ૬ મહિનામાં ૪૦.૮૧ લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો

28 June, 2026 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ખાસ અભિયાનમાં RPFના ૪૮૨ અને મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફૉર્સના ૧૮૧ કર્મચારીઓ જોડાયા હતા જેમને આખા મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ તહેનાત કરવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન રેલવેએ તેના મુંબઈ લોકલ નેટવર્કમાં પ્રવાસીઓ માટે મુશ્કેલી ઊભી કરતા દરવાજો બ્લૉક કરનારા, ગેરકાયદે ફેરિયાઓ અને રેલવે પરિસરમાં ગેરકાયદે ફરનારાઓ સામે રેલવે પ્રોટેક્શન ફૉર્સ (RPF)એ કાર્યવાહી કરીને ૧ જાન્યુઆરીથી પચીસ જૂન સુધીમાં ૧૫,૫૮૧ કાર્યવાહી કરી ૪૦.૮૧ લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

દરવાજો રોકીને ઊભા રહેતા પ્રવાસીઓને અંદર જવા ન દેતા કે ઊતરવા ન દેતા ૪૨ જણ સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ભાઈંદરમાં સૌથી વધુ ૩૫ કાર્યવાહી થઈ છે જેમાં ૧૪૦૦ રૂપિયાનો દંડ વસૂલાયો હતો. ફેરિયાઓ સામે ૭૭૬૫ કાર્યવાહી કરાઈ હતી અને તેમની પાસેથી ૩૮.૪૧ લાખનો દંડ વસૂલાયો હતો. રેલવે પરિસરમાં ગેરકાયદે ફરનારા ૭૭૮૨ જણ સામે કાર્યવાહી કરી તેમની પાસેથી ૨.૩૮ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. રેલવે દ્વારા હાથ ધરાયેલા આ ખાસ અભિયાનમાં RPFના ૪૮૨ અને મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફૉર્સના ૧૮૧ કર્મચારીઓ જોડાયા હતા જેમને આખા મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ તહેનાત કરવામાં આવ્યા હતા.

આજે સેન્ટ્રલ રેલવેમાં મેગા બ્લૉક

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આજે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. માટુંગાથી  મુલુંડ દરમ્યાન સ્લો ટ્રૅક પર સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે. વેસ્ટર્ન રેલવેમાં આજે દિવસ દરમ્યાન બ્લૉક નથી.

mumbai news mumbai western railway Crime News mumbai crime news central railway