16 August, 2026 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોમ્બિવલીમાં થયેલી તિરંગા રૅલી.
ડૉ. શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન અને ૧૦૦થી વધુ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ડોમ્બિવલી ખાતે ગઈ કાલે એક વિશાળ તિરંગા રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રૅલીમાં હજારો નાગરિકોએ ૩૫,૦૦૦ ચોરસફુટનો વિશાળ તિરંગા ધ્વજ હાથમાં લઈને કૂચ કરી હતી. આ ઐતિહાસિક અને વિક્રમી ઉપક્રમની નોંધ વર્લ્ડ રેકૉર્ડ્સ ઇન્ડિયા, એશિયા બુક ઑફ રેકૉર્ડ્સ અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ દ્વારા અધિકૃત રીતે લેવામાં આવી છે.
આ આયોજન સંપૂર્ણપણે પક્ષપાતરહિત અને દેશભક્તિના ભાવથી પ્રેરિત રાખવા માટે આયોજકોએ તમામ રાજકીય પક્ષોને જોડાવાની અપીલ કરી હતી. પરિણામે રૅલીમાં કોઈ પણ રાજકીય પક્ષનાં ઝંડા, પ્રતીકો કે નામનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. જોકે આ જાહેર આહ્વાન છતાં BJPના સ્થાનિક નેતૃત્વએ આ કાર્યક્રમથી અંતર જાળવી રાખ્યું હતું. BJPનો એક પણ અગ્રણી સ્થાનિક નેતા રૅલીમાં ઉપસ્થિત ન રહેતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ મામલે પત્રકારોને પ્રતિક્રિયા આપતાં શિવસેનાના ઉપજિલ્લા પ્રમુખ રાજેશ કદમે જણાવ્યું હતું કે આ કોઈ પક્ષનો નહીં પણ દેશપ્રેમનો કાર્યક્રમ હતો અને જેઓ ન આવ્યા તેમનું એ દુર્ભાગ્ય છે.