સાસરિયાં અને પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ જીવન ટૂંકાવ્યું

27 March, 2023 08:42 AM IST  |  Mumbai | Mehul Jethva

મલાડની ૩૦ વર્ષની યુવતીના પરિવારે દિંડોશી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે પ્રેરિત કરવાની ફરિયાદ નોંધાવી

પ્રતીકાત્મક તસવીર

ઘરેલુ હિંસા અને પતિ તથા સાસરિયાં તરફથી પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હોવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે, જેમાંનું એક ઉદાહરણ તાજેતરનું છે. એમાં મલાડની એક યુવતીએ પોતાનાં સાસરિયાં અને પતિના ત્રાસથી કંટાળી અંતિમ પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના પછી યુવતીના પરિવારે પતિ અને સાસરિયાં વિરુદ્ધ દિંડોશી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે પ્રેરિત કરવા વિશેની ફરિયાદ નોંધાવી છે. જોકે હાલમાં કોઈની ધરપકડ થઈ નથી.

મલાડ-ઈસ્ટમાં અપર ગોવિંદનગરની એક સોસાયટીમાં રહેતાં અરુણા જિતેન્દ્ર મહેતાએ કરેલી ફરિયાદ અનુસાર તેમની ૩૦ વર્ષની ડૉક્ટર પુત્રી નિરાલીનાં ૨૦૨૦ની ૯ ડિસેમ્બરે ઘાટકોપર-ઈસ્ટમાં ઓડિયન ટૉકીઝ પાસે આવેલી એક સોસાયટીમાં રહેતા પ્રણય મહેન્દ્ર ભાભેરા સાથે થાણેના સાયા ગ્રૅન્ડ રિસૉર્ટમાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ નિરાલીને વારંવાર તેનો પતિ પ્રણય, સાસુ મીના અને સસરા મહેન્દ્ર કોઈ ને કોઈ વાત પર ટોક-ટોક કરતાં હતાં. ૨૦૨૧માં પ્રણયને દુબઈમાં નોકરી મળતાં નિરાલી અને પ્રણય બન્ને દુબઈ ગયાં હતાં, જ્યાં તેની નણંદ ચાર્મી હેમાંગ શાહે તેને માનસિક ત્રાસ આપ્યો હતો. ૨૧ જાન્યુઆરીએ નિરાલીને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી જેને કારણે તેની માનસિક પરેશાની થઈ હતી. આ બધાં કારણોને કારણે નિરાલીએ ૧૫ માર્ચે સાંજે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. નિરાલીના પરિવારે પતિ પ્રણય, સાસુ મીના, સસરા મહેન્દ્ર અને નણંદ ચાર્મી સામે દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિંડોશી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ઉમાજી કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાની આત્મહત્યા માટે જવાબદાર પતિ, સાસુ, સસરા અને નણંદ સામે અમે ૩૦૬, ૪૯૮-એ, ૩૪ હેઠળ ફરિયાદ નોંધી છે. આ કેસમાં અમે આરોપીઓની શોધ કરી રહ્યા છે અને કેસને લગતા વધુ પુરાવા ભેગા કરી રહ્યા છે.’

મિડ-ડે’ દ્વારા વધુ માહિતી મેળવવા માટે અરુણા જિતેન્દ્ર મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નહોતી.

mumbai mumbai news mehul jethva malad