30 January, 2024 07:08 AM IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વાઇટ ટૉપિંગના કામમાં લોખંડના સળિયા બહારની બાજુએ આવી રહ્યા હોવાથી જોખમને આમંત્રણ અપાઈ રહ્યું છે.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની જાહેરાત બાદ હાઇવે પર વિવિધ સ્થળોએ વાઇટ ટૉપિંગનું કામ ચાલી રહ્યું છે. આ કામને લીધે હાઇવે પર અત્યંત ટ્રાફિક થતો હોવાની સાથે ધૂળનું સામ્રાજ્ય જોવા મળતું હોવાથી લોકોની ખૂબ જ કફોડી હાલત થઈ રહી છે. એ સાથે ટ્રાફિક પોલીસને પણ ઊડતી ધૂળ વચ્ચે ફરજ બજાવવી મુશ્કેલ પડી રહી છે. ત્યારે આ હાઇવે પર વાઇટ ટૉપિંગનું કામ જોખમી પણ બની રહ્યું છે, કારણ કે આ કામ જ્યાં ચાલી રહ્યું છે ત્યાં લોખંડના સળિયા બહારની બાજુએ આવી ગયા હોવાથી અકસ્માતનો ભય પણ ઊભો થયો છે.
મુંબઈ, થાણે, વસઈ-વિરાર, પાલઘર સહિતના વિવિધ ભાગોને જોડતો મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે ખૂબ મહત્ત્વનો છે. વરસાદના સમયમાં આ હાઇવે પર સતત ખાડાઓ સર્જાતા હતા, જેના કારણે વાહનવ્યવહારમાં ભારે અવરોધ ઊભો થતો હતો. વરસાદનું પાણી હાઇવેના રસ્તા પર ભરાઈ જતાં તળાવ જેવું સ્વરૂપ લેતાં ખાડાઓ કયાં છે પણ સમજાતું નથી. પરિણામે, ખાડાઓને લીધે અકસ્માતો પણ થતા હોય છે, જેના ઉકેલરૂપે નૅશનલ હાઇવે ઑથોરિટી દ્વારા લગભગ ૧૨૧ કિલોમીટરના હાઇવે પર વાઇટ ટૉપિંગ કરવામાં આવી રહ્યું છે. એમાં વિવિધ સ્થળોએ રસ્તાઓ પર સફેદ ટૉપિંગની નાની પૅનલો બનાવવામાં આવી રહી છે.
હાઇવે પર વાઇટ ટૉપિંગનું કામ એકથી દોઢ મહિના પહેલાં શરૂ કરવામાં આવ્યું છે. એની શરૂઆત વિરાર પાસે ખાનિવડે ટોલનાકાથી કરવામાં આવી હતી, જેમાં ખાનિવડે ટોલ નાકાથી ચારોટી અને ખાનિવડેથી વર્સોવા બ્રિજ સુધીના આ રોડનું કૉન્ક્રીટીકરણ પૂર્ણ કરવામાં આવશે, પરંતુ હાલમાં આ હાઇવે પર સિંગલ લાઇન તૈયાર કરવામાં આવી રહી છે એટલે મોટા ભાગે રસ્તાની વચ્ચેનો ભાગ તૈયાર કરાઈ રહ્યો છે, પણ એમાંથી લોખંડના સળિયા બહારની બાજુએ આવ્યા હોવાનું જોવા મળે છે. આ રીતે જોખમભરી હાલતના કારણે અકસ્માત થવાની ભીતિ વાહનચાલકોએ વ્યક્ત કરી છે.
ધૂળ ઊડતાં યોગ્ય દેખાતું નથી
વાહનચાલકોએ જણાવ્યું છે કે ‘હાઇવે ઑથોરિટીએ કામ કરતી વખતે વાહનચાલકોને જોખમ ન સર્જાય એની કાળજી લેવી જોઇએ. હાઇવેની આ કામને કારણે એકદમ કથળેલી હાલત થઈ ગઈ છે. એમાં ધૂળ ઊડતી હોવાથી વાહનોની આગળ ધુમ્મસ આવ્યું હોય એવું લાગે છે. એવામાં વાહનો ચલાવવા મુશ્કેલ થઈ જાય છે તો આવા સળિયા કયાં ધ્યાનમાં રહેવાના છે.’
રાતના સમયે વધુ જોખમી
હાઇવે પર સ્ટ્રીટ લાઇટોનો એક તો અભાવ જોવા મળે છે. ખાસ કરીને રાતના સમયે હાઇવે પર ટ્રાફિક જૅમ વધુ જોખમ સર્જે છે. ટ્રાફિક જૅમથી કંટાળેલા નાગરિકો થોડો ખુલ્લો રસ્તો મળતાં જ વાહનોને વધુ ઝડપે ચલાવવાનો પ્રયાસ કરે છે. જો એ વખતે ટાયરમાં આ સળિયા લાગે તો ટાયર ફાટી શકે એવી શક્યતા છે અને બીજી તરફ અકસ્માતની શક્યતા પણ વધી જાય છે.
૦૦૦૦૦