09 July, 2024 04:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણેમાં ટ્રેનની રાહ જોતા મુસાફરો
છ કલાકમાં ૩૦૦+ મિલીમીટર (MM) જેટલા ભારે વરસાદને કારણે મુંબઈની લાઇફલાઇન ગણાતી રેલવેસેવા ગઈ કાલે સવારથી ખોરવાઈ ગઈ હતી. સેન્ટ્રલ રેલવે લાઇન પર અનેક જગ્યાએ વરસાદનું પાણી જમા થવાને કારણે ટ્રેનનું શેડ્યુલ ખોરવાઈ ગયું હતું એટલું જ નહીં, લાંબા અંતરની ટ્રેનો પણ ખોરવાઈ ગઈ હતી. ભાંડુપ અને સાયન સ્ટેશન નજીક રેલવે-ટ્રૅક પર વરસાદનાં પાણી ભરાયાં હોવાને કારણે એક્સપ્રેસ ટ્રેન અટવાઈ ગઈ હતી, જ્યારે ચૂનાભઠ્ઠીમાં પાણી ભરાવાને કારણે હાર્બર લાઇનની સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ હતી. સેન્ટ્રલ રેલવેના ટ્રૅક પર પાણી ભરાઈ ગયાં હતાં ત્યારે વેસ્ટર્ન રેલવેની ઉપનગરીય ટ્રેનો ૨૦ મિનિટ મોડી દોડવા છતાં ચાલી તો રહી હતી.