વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓને નવા વર્ષની ઠંડી-ઠંડી, કૂલ-કૂલ ભેટ મળી

28 December, 2023 08:15 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ચાર નવી ટ્રેન આવ્યા બાદ એસી લોકલની સર્વિસમાં થશે પચાસ ટકાનો વધારો. બીજી બાજુ સેન્ટ્રલ રેલવેને નવી એસી ટ્રેન મળવાની અત્યારે કોઈ વાત નથી

ફાઇલ તસવીર

મુંબઈની વેસ્ટર્ન રેલવેને ૨૦૨૪માં પ્રાયોરિટી તરીકે ચાર એસી લોકલ ટ્રેન મળવાની છે એટલે મુસાફરો માટે આનંદના સમાચાર છે. આ ઉપરાંત પૂર્વીય રેલવે અને દક્ષિણ રેલવે પર દેશના અન્ય ભાગોમાં પણ એસી લોકલ ટ્રેન લાવવામાં આવશે. જોકે સેન્ટ્રલ રેલવેને વધુ ટ્રેન મળશે કે નહીં એ અંગે હજી સુધી કોઈ અપડેટ નથી.

રેલવે બોર્ડે મંગળવારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ અને ૨૦૨૪-’૨૫માં આઠ નવી અન્ડરસ્લન્ગ એસી રૅક્સને ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઠ જેટલી ૧૨ કાર એસી લોકલમાંથી ચારને ફર્સ્ટ પ્રાયોરિટી તરીકે વેસ્ટર્ન રેલવેને, જ્યારે એક-એક પૂર્વીય રેલવે (હેડક્વાૉર્ટર કલકત્તા) અને દક્ષિણ રેલવે (હેડક્વૉર્ટર ચેન્નઈ)ને અનુક્રમે બીજી અને ત્રીજી પ્રાયોરિટી તરીકે ફાળવવામાં આવ્યા છે. હાલમાં આઠ એસી લોકલ વેસ્ટર્ન રેલવે પર ૯૬ સર્વિસ અને સેન્ટ્રલ રેલવે પર ૬૬ સર્વિસ આપે છે. વેસ્ટર્ન રેલવેમાં ચાર નવી ટ્રેન આવવાથી ૪૮ જેટલી એટલે કે પચાસ ટકા ‌સર્વિસમાં વધારો થશે.

સેન્ટ્રલ રેલવેની સેવાઓ અંગે હજી સુધી કોઈ અપડેટ નથી, કારણ કે ઑગસ્ટ ૨૦૨૨થી એનસીપીના પ્રમુખ શરદ પવાર એસી લોકલ ટ્રેનો રદ કરીને વર્કિંગ ક્લાસ મુસાફરો માટે રેગ્યુલર સર્વિસ ફરી શરૂ કરવાની માગણી કરી રહ્યા છે.

વેસ્ટર્ન રેલવેના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવેની એસી સબર્બન ટ્રેનમાં એપ્રિલથી નવેમ્બર ૨૦૨૩ સુધીમાં ૨.૩૯ કરોડ પૅસેન્જરોએ મુસાફરી કરી હતી, જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં ફક્ત ૮૭.૬૧ લાખ પૅસેન્જરોએ આ સુવિધાનો લાભ ઉઠાવ્યો હતો. કુલ આવક પણ ૯.૪૩ કરોડથી વધીને ૬૦.૨૩ કરોડ રૂપિયા નોંધાઈ હતી.’

AC Local mumbai local train western railway mumbai mumbai news rajendra aklekar