રેલવે-સ્ટેશન પર એસ્કેલેટર માટે નવી સિસ્ટમ, બ્રેકડાઉન થયાની બે જ મિનિટમાં ફરી ચાલતું થશે

22 August, 2026 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડાઉનટાઇમ પચીસ મિનિટથી ઘટાડીને બે મિનિટ કરવાનો વેસ્ટર્ન રેલવેનો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

રેલવે-સ્ટેશનો પર આવેલાં એસ્કેલેટર્સ માટે વેસ્ટર્ન રેલવે નવી સિસ્ટમ બેસાડવાની તૈયારીમાં છે. નવી સિસ્ટમ અંતર્ગત પ્રવાસીઓની સુવિધા માટે તથા ડાઉનટાઇમ ઓછો કરવા માટે એસ્કેલેટર બ્રેકડાઉન થાય એની બે જ મિનિટમાં ફરીથી શરૂ થઈ જશે. કોઈ પણ સિસ્ટમ ઠપ થયાને જેટલો સમય લાગે છે એને ડાઉનટાઇમ કહેવામાં આવે છે. એટલે કે હવેથી એસ્કેલેટરમાં કોઈ ખામી સર્જાય તો એને ફક્ત બે જ મિનિટમાં દૂર કરીને ફરી એસ્કેલેટર્સ ચાલુ કરી શકાશે. આ ઉપરાંત એસ્કેલેટર્સ બનાવનારા મૅન્યુફૅક્ચરરને ૧૫ વર્ષ સુધીની મેઇન્ટેનન્સની જવાબદારી પણ રેલવે બોર્ડે આપવાનો નિર્ણય લીધો છે.

અત્યારની સિસ્ટમ મુજબ જો કોઈ એસ્કેલેટરનું ઇમર્જન્સી સ્ટૉપ બટન દબાવે છે તો એને ફરીથી શરૂ થતાં એટલે કે રીસ્ટાર્ટ થતાં પચીસ મિનિટ જેટલો સમય લાગે છે. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા માન્ય નવી સિસ્ટમમાં એસ્કેલેટર સ્ટૉપ કરવામાં આવે અથવા એમાં કોઈ ખામી ઊભી થાય તો આટલી બધી વાર સુધી એ ઠપ નહીં રહે. 

મુંબઈનાં અનેક સ્ટેશનો પર લાંબા સમય સુધી એસ્કેલેટર્સ બંધ રહેતાં હોવાની ફરિયાદ પ્રવાસીઓ દ્વારા અવારનવાર કરવામાં આવતી હોય છે. ભારે સામાન લઈને આવતા પ્રવાસીઓ, સિનિયર સિટિઝનો તથા અન્ય પ્રવાસીઓને એને કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. જોકે નવી સિસ્ટમ બેસાડાયા બાદ આવી પરિસ્થિતિ ઊભી નહીં થાય એવો વિશ્વાસ વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.

mumbai news mumbai western railway