28 February, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
AC લોકલ ટ્રેન
મુંબઈમાં વેસ્ટર્ન રેલવે દ્વારા દરરોજ ચર્ચગેટથી વિરાર સુધી ૧૦૯ ઍર-કન્ડિશન્ડ (AC) સર્વિસ ચલાવવામાં આવે છે, જેમાં દરરોજ સરેરાશ ૧.૨૬ લાખ લોકો પ્રવાસ કરે છે. ચર્ચગેટથી વિરાર અને વિરારથી ચર્ચગેટની લોકલ ટ્રેનોમાં ધસારાના સમયે ભારે ભીડ હોય છે એને ધ્યાનમાં રાખીને વધુ રૂપિયા ચૂકવીને પ્રવાસ કરનારાઓ માટે AC ટ્રેનો ચલાવવામાં આવે છે, પણ આ ટ્રેનોમાં ખુદાબક્ષ પ્રવાસીઓ પણ ઘૂસી જતા હોવાની ફરિયાદ રેલવેને મળી રહી છે. એપ્રિલ ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૫ સુધીના ૧૦ મહિનામાં ટિકિટ વિના AC લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા ૫૧,૬૦૦ લોકો પકડાયા છે, જેમની પાસેથી ૧.૭૨ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકના જણાવ્યા મુજબ ‘જાન્યુઆરી ૨૦૨૪માં યોગ્ય ટિકિટ વિના AC લોકલમાં પ્રવાસ કરનારા ૪૭૪૩ પ્રવાસી પાસેથી ૧૬.૦૭ લાખ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આની તુલનામાં આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ૬૨૫૮ લોકો પાસેથી ૨૦.૯૭ લાખ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે. ગયા વર્ષના જાન્યુઆરી મહિના કરતાં આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ૩૨ ટકા વધુ પ્રવાસીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ધસારાના સમયે યોગ્ય ટિકિટ વિના AC લોકલમાં પ્રવાસ કરવા બાબતની ફરિયાદ મળે છે એ અનુસાર એક સમર્પિત AC ટાસ્ક ફોર્સ નિયમિત કાર્યવાહી કરે છે.’