દેશમાં ફૂલ ગુલાબી ઠંડી: મુંબઈમાં પણ તાપમાનનો પારો ઘટીને થયો ૧૫ ડિગ્રી

26 December, 2022 09:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં ૧૫ ડિગ્રી પહોંચ્યો પારો

તસવીર સૌજન્ય: સતેજ શિંદે

ભારતીય હવામાન વિભાગ (IMD)એ ઉત્તર ભારતીય રાજ્યોમાં આગામી પાંચ દિવસ માટે ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. આગામી 24 કલાકમાં પંજાબ, હરિયાણા અને ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે. IMDએ કહ્યું કે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ સાથે દિલ્હી (Delhi)માં આજથી ઠંડી વધવાની શક્યતા છે.

આગામી 24 કલાકમાં રાજધાનીમાં કડકડતી ઠંડી (Winter Season) પડવાની શક્યતા છે. આ શિયાળાનું સૌથી ઓછું તાપમાન દિલ્હીમાં રવિવારે એટલે કે ક્રિસમસના દિવસે નોંધાયું હતું. 25 ડિસેમ્બર, 2022એ 18 ડિસેમ્બર, 2020 પછીનો સૌથી ઠંડો દિવસ હતો, જેનું ઊંચું તાપમાન 16.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી હતું. હવે દિલ્હીમાં પહેલા કરતાં ઠંડી વધી ગઈ છે. અહીં લોકોને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.

દિલ્હીમાં આજે 26 ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. દિલ્હી અને NCRમાં અત્યારે ગાઢ ધુમ્મસ છવાયેલો છે. પાલમ અને સફદરજંગમાં 100 મીટરની વિઝિબિલિટીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. દિલ્હી અને NCRના ઘણા ભાગોમાં વિઝિબિલિટી આના કરતા પણ ઓછી થઈ શકે છે.

શીત લહેર અને ઠંડીની ચેતવણી

હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઓડિશા, આસામ અને ત્રિપુરામાં પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. IMDએ ઘણા વિસ્તારોમાં કોલ્ડ વેવ અને કોલ્ડ ડેની ચેતવણી આપી છે. ઉત્તર રેલવેએ માહિતી આપી હતી કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી જતી 14 ટ્રેનો મોડી ચાલી રહી છે. તે જ સમયે, ઠંડી વચ્ચે દક્ષિણના ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: માસ્ક નહીં, વળી એકબીજાની લગોલગ ઊભા રહ્યા લોકો

મુંબઈમાં ૧૫ ડિગ્રી પહોંચ્યો પારો

મુંબઈમાં પણ આ સીઝનનું મિનિમમ તાપમાન નોંધાયું છે. મુંબઈમાં ગઈકાલે તાપમાન (Mumbai Winter)માં સારો એવો ઘટાડો થવાથી બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં લોકોને મૉર્નિંગ વૉક કરવા નીકળ્યા ત્યારે ધુમ્મસ છવાયેલો જોવા મળ્યો હતો. ગઈકાલે સાંતાક્રુઝમાં મિનિમમ તાપમાન ૧૫ ડિગ્રી અને કોલાબામાં ૧૮.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં પણ ઠંડી કાયમ રહેવાની આગાહી કરી છે.

national news mumbai news Weather Update mumbai weather