ચૂંટણીપંચને કોઈ ફરિયાદ કરવી છે? હાજર છે ઍપ cVIGIL: દરેક ફરિયાદનું નિરાકરણ માત્ર ૧૦૦ મિનિટમાં

18 April, 2024 07:19 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

૧૬ માર્ચથી શરૂ કરવામાં આવેલી આ ઍપ પર મંગળવારે સુધી આશરે ૬૧ ફરિયાદો મળી છે અને દરેક ફરિયાદ પર માત્ર ૧૦૦ મિનિટમાં પગલાં લેવામાં આવ્યાં છે

મુંબઈમાં ગઈ કાલે આર્ટ-સ્કૂલની એક સ્ટુડન્ટે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન બનીને લોકોમાં મતદાનના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો

લોકસભાની ચૂંટણી માટે ચૂંટણીપંચે આચારસંહિતા લાગુ કરી દીધી છે અને એની સાથે આચારસંહિતાનો ભંગ થતો હોય એવા કિસ્સામાં લોકો જાતે જ ફરિયાદ કરી શકે એ માટે ચૂંટણીપંચે cVIGIL નામની ઍપ શરૂ કરી છે. ૧૬ માર્ચથી શરૂ કરવામાં આવેલી આ ઍપ પર મંગળવારે સુધી આશરે ૬૧ ફરિયાદો મળી છે અને દરેક ફરિયાદ પર માત્ર ૧૦૦ મિનિટમાં પગલાં લેવામાં આવ્યાં છે. આ ઍપ પર લોકો ફોટોગ્રાફ પણ મૂકી શકે છે. જ્યાં આચારસંહિતાનો ભંગ થતો હોય ત્યાંથી તસવીર લઈને ઍપ પર મૂકી શકાય છે.

ચૂંટણીપંચે જણાવ્યું છે કે હવે લોકોએ ફરિયાદ કરવા માટે ચૂંટણીપંચની ઑફિસમાં આવવાની કે રિટ​ર્નિંગ ઑફિસર સુધી જવાની જરૂર નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ચૂંટણીપંચ ઇચ્છે છે કે આચારસંહિતાનો કડક રીતે અમલ થાય જેથી લોકો મુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં મત આપી શકે. મુંબઈમાં અમને ૬૧ ફરિયાદ મળી હતી અને ૧૦૦ મિનિટમાં એનો નિકાલ લાવી દેવામાં આવ્યો હતો. જ્યારે પણ કોઈ ફરિયાદ આ ઍપના માધ્યમથી મળે છે તો તાત્કાલિક એના પર પગલાં લેવામાં આવે છે. મુંબઈમાં ક્યાંય પણ આચારસંહિતાનો ભંગ થતો જણાય તો તાત્કાલિક ફોટો લઈને ફરિયાદ કરવા અમે મુંબઈગરાઓને અપીલ કરીએ છીએ.’

વોટર્સ રજિસ્ટ્રેશન

વોટર્સ રજિસ્ટ્રેશન વિશે મળેલી ફરિયાદ વિશે બોલતાં અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમને ૧૫ એપ્રિલ સુધીમાં ૭૭૪ ફરિયાદ મળી હતી. એમાંની ૭૬૯ ફરિયાદનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. બાકીની પાંચ ફરિયાદ પ્રોસેસિંગમાં છે. એનું પણ જલદી નિરાકરણ આવી જશે.’

election commission of india Lok Sabha Election 2024 mumbai india mumbai news national news rajendra aklekar