27 September, 2025 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેલવે ટ્રૅક પર આંદોલન કરવા ધસી આવેલા ઝૂંપડપટ્ટીવાસીઓમાં મહિલાઓ મોટી સંખ્યામાં હતી.
પોલીસે દરમ્યાનગીરી કરીને સંબંધિતોને ફોન કરીને એ મોબાઇલ ટાવર હટાવવાનું કહ્યા બાદ ઍક્શન લેવાઈ હતી અને મોબાઇલ કંપનીઓના કર્મચારીઓએ ટાવર કાઢી નાખ્યા હતા.
વડાલા-ઈસ્ટમાં રેલવે-ટ્રૅક પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ ગઈ કાલે સવારે ૧૧.૩૦ વાગ્યે રેલવે-ટ્રૅક પર મોટી સંખ્યામાં ધસી જઈને રેલરોકો આંદોલન કર્યું હતું. તેમનું કહેવું હતું કે તેમની ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં મોબાઇલ ટાવર લગાડવામાં આવ્યા છે એમાંથી નીકળતા રેડિયેશનને કારણે એ વિસ્તારના ૩ જણ બીમાર પડીને મરી ગયા છે એટલે એ મોબાઇલ ટાવર હટાવવામાં આવે. તેમણે આ સંદર્ભે રેલવે, બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને પોલીસમાં પણ ફરિયાદ કરી હતી. જોકે કોઈ ઍક્શન ન લેવાતાં તેમણે રેલરોકો આંદોલન કર્યું હતું.
ઝૂંપડવાસીઓ વડાલા અને ગુરુ તેગ બહાદુર નગર સ્ટેશન વચ્ચે ટ્રૅક પર આવીને બેસી ગયા હતા જેને કારણે હાર્બર લાઇનની ટ્રેનો અટકી ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતાં જ વડાલા પોલીસ-સ્ટેશનની પોલીસ અને વડાલા રેલવે-પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે આંદોલનકારીઓ સાથે વાત કરી હતી. આંદોલનકારીઓનું કહેવું હતું કે આજે ને આજે એ ટાવર હટવા જોઈએ. એથી પોલીસે સંબંધિતોને ફોન કરી જાણ કરીને એ ટાવર હટાવી લેવા કહ્યું હતું. એ પછી આંદોલનકારી ઝૂંપડાવાસીઓ ત્યાંથી હટ્યા હતા. ત્યાર બાદ મોબાઇલ કંપનીઓના કર્મચારીઓએ આવીને એ મોબાઇલ ટાવર પણ હટાવી લીધા હતા.