09 January, 2026 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વધુ ને વધુ લોકો મતદાન કરે એ માટે વસઈ-વિરાર મ્યુનિસિપલ કમિશનર અને ચીફ ઇલેક્શન ઑફિસર મનોજકુમાર સૂર્યવંશીએ મત આપનારા લોકોને હોટેલના બિલ, રિક્ષા અને પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવે એવી ગોઠવણ કરી છે. એ માટે તેમણે બુધવારે સ્થાનિક હોટેલ અસોસિએશન, રિક્ષા યુનિયન અને પબ્લિક ટ્રાન્સપોર્ટના પદાધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.
કમિશનર મનોજ સૂર્યવંશીએ મતદાનને ફેસ્ટિવલ ઑફ ડેમોક્રસી ગણાવીને વસઈ-વિરારમાં એ વખતે મતદાન કરનારાઓને કેટલાક લાભ મળી શકે એ માટે રજૂઆત કરી હતી. હોટેલ અસોસિએશને મતદાન કરનારાઓને તેમના બિલ પર ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઑફર કરી છે, જ્યારે રિક્ષાવાળાઓએ ૫૦ ટકા ડિસ્કાઉન્ટ ઑફર કર્યું છે. સિટી બસ પણ મતદાન કરનારાઓને ડિસ્કાઉન્ટ ઑફર કરવાની છે. સ્થાનિક સલૂન અસોસિએશને પણ મતદાનના દિવસે મત આપીને આવનારા લોકોને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવાની ઑફર કરી છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીઓ નજીક આવી રહી છે એમ તૈયારીઓ સાથે લોકોમાં જાગૃતિ વધે એ માટે પણ અનેક સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. G-સાઉથ વૉર્ડની BMCની ઑફિસની બહાર એક બોર્ડ મૂકીને વોટિંગ અવેરનેસ કૅમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. આ બોર્ડ પર લખ્યું છે કે હું BMCના ઇલેક્શનમાં ૧૫ તારીખે મતદાન કરવાનો છું એવું જણાવીને નીચે સહી કરું છું. આ બોર્ડમાં અનેક નાગરિકોએ સહી કરેલી જોવા મળે છે.