અજીબ અસહિષ્ણુતા

30 March, 2023 09:16 AM IST  |  Mumbai | Mehul Jethva

વિરારમાં રહેતા જયસુખ જેઠવાને એક જણનો ધક્કો લાગવા છતાં વાતને આગળ ન વધારવા તેમણે સામેવાળી વ્યક્તિની માફી માગી, પણ માથાફરેલ યુવાને કંઈ પણ વિચાર્યા વગર પોતાની પાસે રહેલા ચાકુથી જયસુખભાઈના ગળા પર હુમલો કર્યો જેમાં તેમને આવ્યા બાર ટાંકા

પ્રતીકાત્મક તસવીર

વિરારમાં રહેતો ૩૬ વર્ષનો ગુજરાતી યુવાન કામ માટે માર્કેટમાં ગયો હતો. ત્યાંથી કામ પતાવીને ઘરે પાછા ફરતી વખતે એક યુવકનો તેને ધક્કો લાગ્યો હતો. આમ છતાં સામેવાળી વ્યક્તિને તેણે સૉરી કહ્યું હતું. જોકે સામેવાળી વ્યક્તિની ભૂલ હોવા છતાં તેણે યુવકના ગળા પર ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં યુવાનને ગળામાં બાર ટાંકા આવ્યા છે. હાલ હૉસ્પિટલમાં તેનો ઇલાજ ચાલુ છે. વિરાર પોલીસે આઘટનાની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

વિરાર-ઈસ્ટમાં ગોવિંદનગર નજીકની સોસાયટીમાં રહેતા અને ટેલરિંગનો વ્યવસાય કરતા ૩૬ વર્ષના જયેશ જયસુખલાલ જેઠવાએ કરેલી ફરિયાદ અનુસાર સોમવારે રાતે સાડાઆઠ વાગ્યે તે ટેલરિંગનું મટીરિયલ લેવા માટે વિરાર-ઈસ્ટના નારાયણનગરમાં હરબા અપાર્ટમેન્ટમાં ગયો હતો. ત્યાંથી સામાન લઈને પાછા ફરતી વખતે એક યુવકનો તેને ધક્કો લાગ્યો હતો. એ સમયે ઘરે જલદી પહોંચવાનું હોવાથી તે સામેથી તે યુવકને સૉરી કહીને આગળ નીકળી ગયો હતો. રોષે ભરાયેલા યુવકે પાછળથી આવીને ચાકુથી જયેશના ગળા પર વાર કર્યો હતો અને ત્યાંથી નાસી ગયો હતો. આસપાસ ભેગા થયેલા લોકોએ તરત જયેશને ઇલાજ માટે સંજીવની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાવ્યો હતો. ડૉક્ટરે કેસને ગંભીરતાથી લઈને તરત ઇલાજ ચાલુ કરીને જયેશના ગળામાં બાર ટાંકા લીધા હતા. આ ઘટનાની માહિતી મળતાં વિરાર પોલીસે આરોપી યુવક સામે ફરિયાદ નોંધીને તપાસ કરી હતી અને આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજને આધારે લાલ નામના યુવકની ધરપકડ કરી હતી.

જયેશની પત્ની નયનાએ ‘મિડ-ડે’ને કહ્યું કહ્યું હતું કે ‘હાલ મારા પતિ હૉસ્પિટલમાં છે. તેમને ગળામાં બાર ટાંકા આવ્યા છે. આરોપીએ એટલી ગંભીર રીતે વાર કર્યો હતો કે મારા પતિનું મૃત્યુ થવાની સંભાવના હતી. જોકે તેમની હાલત સુધારા પર હોવાની માહિતી અમને ડૉક્ટરે આપી છે.’

વિરાર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સાંઈપ્રસાદ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે આરોપીની ગઈ કાલે સાંજે ધરપકડ કરી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

mumbai mumbai news mumbai local train virar mehul jethva