વિરારમાં બૅન્કની રોબરીનો આરોપી ટૉઇલેટમાંથી થઈ ગયો‍ પલાયન

27 November, 2022 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ધસી જઈને અસિસ્ટન્ટ મૅનેજરની હત્યા કરીને ૩.૩૮ કરોડ રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ કરી હતી

કોર્ટ પરિસરમાંથી ભાગેલો લૂંટ અને હત્યાનો આરોપી અનિલ દુબે

વિરારમાં ગયા વર્ષે જુલાઈમાં આઇસીઆ​ઇસીઆઇ બૅન્કમાં ચાકુ સાથે ધસી જઈને અસિસ્ટન્ટ મૅનેજર સહિત અન્ય એક મહિલા કર્મચારી પર હુમલો કર્યા બાદ બૅન્કમાં રાખવામાં આવેલા ૩.૩૮ કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવનારો આરોપી કોર્ટમાંથી પલાયન થઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના શુક્રવારે બપોરે બની હતી.

બૅન્કમાં રૉબરીની સાથે હત્યા કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલો આરોપી અનિલ દુબે થાણે જેલમાં બંધ હતો. શુક્રવારે કોર્ટમાં તેના કેસની સુનાવણી હોવાથી થાણે જેલમાંથી તેને વસઈ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી થઈ ગયા બાદ બપોરે ૩.૩૦ વાગ્યે આરોપીએ ટૉઇલેટ જવાનું કહેતાં પોલીસે તેને અહીંના એક ટૉઇલેટની અંદર જવા દીધો હતો અને પોલીસ બહાર ઊભી રહી હતી.

પોલીસના જણાવ્યા મુજબ થોડી વાર બાદ આરોપી અનિલ દુબે ટૉઇલેટની બહાર આવ્યો હતો અને તે પોલીસને ધક્કો મારીને રસ્તામાં ભાગવા લાગ્યો હતો. બાદમાં થોડે દૂર ઊભેલી એક મોટરસાઇકલની ઉપર બેસીને પલાયન થઈ ગયો હતો. આરોપીને પકડવા માટે વસઈ પોલીસ કામે લાગી છે, પરંતુ હજી સુધી તેનો કોઈ પત્તો ન લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપી અનિલ કોર્ટ પરિસરમાં આવેલા ટૉઇલેટની પાસે ઊભી રાખવામાં આવેલી બાઇક પર પલાયન થઈ ગયો હોવાથી તેણે પહેલેથી ભાગવાનો પ્લાન બનાવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં ૨૯ જુલાઈની સાંજે વિરારમાં આવેલી આઇસીઆઇસીઆઇ બૅન્કની બ્રાન્ચમાં યોગિતા વર્તક અને શ્વેતા દેવરુખકર કામકાજ સંકેલી રહ્યાં હતાં ત્યારે આરોપી અનિલ દુબે બૅન્કમાં ચાકુ સાથે ધસી ગયો હતો. તેણે ચાકુની અણીએ બૅન્કમાં રાખેલા સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે યોગિતા અને શ્વેતાએ તેને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ અનિલ દુબેએ તેમને બન્નેને ચાકુના ઉપરાઉપરી ઘા મારીને ઘાયલ કરી દીધાં હતાં અને બૅન્કના લૉકરમાં રાખેલા ૩.૩૮ કરોડ રૂપિયાના દાગીના લઈને તે પલાયન થઈ ગયો હતો. આ ઘટનામાં યોગિતા વર્તકનું મૃત્યુ થયું હતું અને શ્વેતા દેવરુખકર ગંભીર રીતે ઘાયલ થઈ હતી. વિરાર પોલીસે લૂંટ અને હત્યાનો કેસ નોંધીને આરોપી અનિલ દુબેની ધરપકડ કરી હતી. 

mumbai mumbai news vasai virar Crime News mumbai crime news icici bank