વિરારની હોનારત પછી બેઘર થયેલા પરિવારોને મ્હાડા આશરો આપશે

31 August, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોલિંજ વિસ્તારમાં આવેલાં મ્હાડાનાં ૬૦ ઘરમાં રમાબાઈ અપાર્ટમેન્ટ અને આસપાસની ચાલમાં રહેતા લોકો જેઓ ઘરવિહોણા થયા છે

પ્રતીકાત્મક તસવીર

વિરારમાં રમાબાઈ અપાર્ટમેન્ટ ધસી પડવાની ઘટના બાદ અનેક બિલ્ડિંગોને અને એની આસપાસની ચાલને ખાલી કરવી દેવામાં આવ્યાં હતાં. આ તમામ પરિવારોને હાલપૂરતા મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA-મ્હાડા)એ તૈયાર કરેલાં મકાનોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે એવી જાહેરાત પાલઘરના પાલક પ્રધાન પ્રતાપ સરનાઈકે કરી હતી.

પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પૂરતા ટ્રાન્ઝિટ કૅમ્પ નથી એટલે આવી ઇમર્જન્સી માટે મ્હાડાની મદદથી અસરગ્રસ્તો માટે સુવિધા ઊભી કરી શકાય.

બોલિંજ વિસ્તારમાં આવેલાં મ્હાડાનાં ૬૦ ઘરમાં રમાબાઈ અપાર્ટમેન્ટ અને આસપાસની ચાલમાં રહેતા લોકો જેઓ ઘરવિહોણા થયા છે તેમને શિફ્ટ કરવામાં આવશે. શનિવાર સુધીમાં રહેવાસીઓને આ નવાં ટેમ્પરરી ઘર આપી દેવામાં આવશે.

વસઈ-વિરારમાં SRA અને ક્લસ્ટર ડેવલપમેન્ટ બાબતે એકનાથ શિંદે સાથે ચર્ચા
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ વસઈ-વિરારમાં ઊભાં કરી દેવાયેલાં જોખમી અને ગેરકાયદે બિલ્ડિંગો બાબતે ચિંતા વ્યક્ત કરીને આ વિસ્તારમાં ક્લસ્ટર ડેવલપમેન્ટ અને સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)ની સ્કીમ મુજબ બિલ્ડિંગો બનાવવાની યોજના આગળ વધારવા વિશે પ્રતાપ સરનાઈક સાથે ચર્ચા કરી હતી.

virar vasai virar city municipal corporation vasai mahad news mumbai mumbai news mumbai fire brigade brihanmumbai municipal corporation