13 October, 2026 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારા-ઈસ્ટમાં આવેલા આચોળે મિત્ર મંડળ આયોજિત નવરાત્રિની ઉજવણી દરમ્યાન રવિવારે રાતે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણને કારણે લગભગ ૧૦ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની શરૂઆત એક સાંકડા રસ્તા પર ટૂ-વ્હીલર ચલાવનાર અને ટેમ્પો-ડ્રાઇવર વચ્ચે થયેલી બોલાચાલીથી થઈ હતી, જે બાદમાં પથ્થરમારો અને લાકડીઓ તથા વાંસના સળિયાના ઉપયોગ સાથેની મોટી અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.
નવરાત્રિની ઉજવણી ચાલુ હતી ત્યારે આચોળે વિસ્તારમાં આ અથડામણ થઈ હતી. મંડળના સભ્યોએ આપેલી માહિતી મુજબ કૃષ્ણા નામના ટૂ-વ્હીલર રાઇડરનો ટેમ્પો-ડ્રાઇવર સાથે ઝઘડો થયો હતો અને ત્યાંથી તેને ભગાડવામાં આવે એ પહેલાં મંડળના સભ્યોએ તેના પર હુમલો કર્યો હતો. બાદમાં તે તેના ગઠિયાઓ સાથે પાછો ફર્યો અને તેમણે મંડળના સભ્યો પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે.
આ અથડામણ દરમ્યાન બન્ને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો અને લાકડીઓ તથા બામ્બુનો ઉપયોગ કર્યો હતો, જેનાથી વિસ્તારમાં તનાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં માતાજીની મૂર્તિને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઘાયલોને સારવાર માટે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત તુળીંજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તુળીંજ પોલીસે રવિવારે મોડી રાત્રે હુમલાખોરો સામે કેસ નોંધ્યો હતો.