ઉદ્ધવસેનાના નેતા કહે છે કે પુત્રવધૂના આરોપો પાછળ રાજકીય ષડ્યંત્ર છે

14 July, 2026 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિનાયક રાઉતે કહ્યું હતું કે ‘હજી ગયા મહિને જ મને આપવામાં આવેલું પ્રોટેક્શન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું

વિનાયક રાઉત

શિવસેના (UBT)ના ભૂતપૂર્વ સંસદસભ્ય વિનાયક રાઉત, તેમના પુત્ર તથા નગરસેવક ગિતેશ રાઉત અને કુટુંબીજનો પર પુત્રવધૂએ કાળો જાદુ કરવા સહિતના ગંભીર આરોપો લગાવ્યાના બીજા દિવસે વિનાયક રાઉતે તેમના પર લગાવાયેલા આરોપો રાજકીય ષડ્યંત્ર હોવાનું કહ્યું હતું. તેમણે સોમવારે પત્રકાર-પરિષદમાં કહ્યું હતું કે ‘અમારા પર કોઈના ઇશારે આરોપો લગાવવામાં આવ્યા છે અને આ બધું રાજકીય ષડ્યંત્ર છે. હું હમણાં તો તમારી સામે પુરાવા હાજર નહીં કરું, પરંતુ આની પાછળ કોણ છે અને તે કયા પક્ષના છે એનો ખુલાસો ટૂંક સમયમાં કરીશ.’

પોતાને આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચાઈ લેવાઈ એ વિશે બોલતાં વિનાયક રાઉતે કહ્યું હતું કે ‘હજી ગયા મહિને જ મને આપવામાં આવેલું પ્રોટેક્શન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. અમે માગણી કરી છતાં પ્રોટેક્શન આપવાનો ઇનકાર કરી દેવાયો એટલે આની પાછળ પણ નક્કી કોઈ ષડયંત્ર જ છે.’

જોકે પોતે અને કુટુંબીજનો આ કેસમાં નિર્દોષ સાબિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં વિનાયક રાઉતે કહ્યું હતું કે ‘મને ન્યાયવ્યવસ્થા પર પૂરો ભરોસો છે. પોલીસતપાસમાં બધું જ સત્ય બહાર આવશે.’ 

સ્ત્રીધન પહેલાં જ પિયર લઈ ગઈ, ધીરે-ધીરે ડિમાન્ડ વધતી જ ગઈ : વિનાયક રાઉત
૨૦૨૩ની ૩૧ ડિસેમ્બરે ગિરિજા પોતાનું સ્ત્રીધન ભરેલી દસથી ૧૨ બૅગ પહેલાં જ પિયરે મૂકી આવી હતી એમ જણાવીને વિનાયક રાઉતે કહ્યું હતું કે ‘પછી તેની ડિમાન્ડ વધતી ગઈ. પહેલાં બે કરોડ, પછી પાંચ કરોડ અને છેલ્લે તો તેની કુલ ડિમાન્ડ વધીને ૧૨.૫ કરોડ રૂપિયા થઈ ગઈ. જો તે કહે છે એ સાચું હોય તો તેણે પહેલાં કેમ પોલીસ-ફરિયાદ ન કરી?’

mumbai news mumbai uddhav thackeray political news shiv sena