17 April, 2025 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે BMC દ્વારા તોડી પાડવામાં આવેલું જૈન મંદિર.
વિલે પાર્લે-ઈસ્ટના કામલી વાડી વિસ્તારમાં આવેલું આશરે ૨૬ વર્ષ જૂનું ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિર ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે તોડી પાડ્યું હતું. BMCના અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ મંદિરનો કેસ છેલ્લાં ૨૦ વર્ષથી અલગ-અલગ અદાલતમાં ચાલ્યો હતો જેમાં કોર્ટે પણ આ મંદિરની જગ્યા ગેરકાયદે હોવાનો ઉલ્લેખ અનેક ઑર્ડરમાં કર્યો હતો. જોકે આ મામલે મંદિરના ટ્રસ્ટીઓએ દાવો કર્યો હતો કે એક સ્થાનિક ડેવલપરને મદદ કરવાના ઇરાદે BMCના અધિકારીઓએ મિલીભગત કરીને મંદિર તોડી પાડ્યું છે. હાઈ કોર્ટમાં આજે આ મંદિરની જગ્યા સંબંધે ફેસલો થાય એવી શક્યતા છે.
ખાનગી ડેવલપરને ફાયદો થાય એવા હેતુ સાથે અમારા મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે એમ જણાવતાં શ્રી ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરના ટ્રસ્ટી અનિલ બંડીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશરે ૩૦૦થી ૪૦૦ લોકોના આસ્થાનું પ્રતીક ગણાતા એવા મંદિરને તોડી પાડવામાં આવ્યું છે જેના માટે અમે તમામ કાયદાકીય પ્રોસીજર કરીશું અને જવાબદારો સામે કારવાઈ કરવામાં આવે એવી પણ માગણી અમે કરીશું. ૧૯૯૮માં જે જગ્યા પર મંદિર બાંધવામાં આવ્યું હતું એ પ્લૉટ મેં એક બંગાળી પાસેથી ૨૧ લાખ રૂપિયામાં ખરીદી લીધો હતો. ત્યાર બાદ આશરે ૧૮૦૦ સ્ક્વેર મીટરના એરિયામાં દિગમ્બર મંદિર બાંધવામાં આવ્યું હતું. દરમ્યાન ૨૦૦૫માં જે પ્લૉટ પર મંદિર બાંધવામાં આવ્યું હતું એ પ્લૉટ આરક્ષિત હોવાનો દાવો કરી BMCએ અમને નોટિસો મોકલવાની શરૂઆત કરી હતી જેની સામે અમારી કાયદાકીય પ્રક્રિયાઓ ચાલુ હતી. હા, અમે માનીએ છીએ કે કોર્ટના ઑર્ડર પ્રમાણે અમારું મંદિર ગેરકાયદે છે, પણ સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશમાં અમને નીચલી કોર્ટમાં તમામ દસ્તાવેજો રજૂ કરવા માટેની છૂટ આપવામાં આવી હતી અને એ પ્રક્રિયા પણ અમારી ચાલુ હતી એ દરમ્યાન ગુરુવારે અમને BMCની વધુ એક નોટિસ મળી હતી જેમાં બુધવારે મંદિર ડિમોલિશ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું એટલે અમે તાત્કાલિક પાછા હાઈ કોર્ટ પાસે ગયા હતા. અમને રાહત મળવાની જ હતી, પણ ગઈ કાલે નવ વાગ્યાની આસપાસ BMCના અધિકારીઓએ આશરે ૨૦૦ પોલીસની હાજરીમાં અમારું મંદિર તોડી પાડ્યું હતું. મંદિર તોડવાનો વિરોધ કરનાર અમારા ભક્તોને પણ પોલીસે ધક્કામુક્કી કરી હતી જેમાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. અમને પૂરેપૂરી શંકા છે કે BMCના અધિકારીઓએ ડેવલપર સાથે સાંઠગાઠ કરીને અમારા મંદિરનું ડિમોલિશન કર્યું છે.’
BMC શું કહે છે?
છેલ્લાં ૨૦ વર્ષથી વિવિધ અદાલતોમાં આ મંદિરની જગ્યા વિશે કેસ ચાલી રહ્યા હતા જેમાં કોર્ટના ઑર્ડર પ્રમાણે આ મંદિર ગેરકાયદે હોવાનું નોંધાયું હતું એમ જણાવતાં BMC કે-ઈસ્ટ વૉર્ડના બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી ડિપાર્ટમેન્ટના સિનિયર એન્જિનિયર સતીશ આનેરાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૦૫થી આ મંદિરની જગ્યા કાયદેસર છે એ વિશે સિટી સિવિલ કોર્ટ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અનેક દલીલો મંદિરના માલિકો તરફથી કરવામાં આવી હતી. જોકે દસ્તાવેજોના અભાવે કોર્ટ દ્વારા આ મંદિરની જગ્યા ગેરકાયદે હોવાનું નોંધવામાં આવ્યું હતું જેના અનુસાર અમે આ મંદિરનું ડિમોલિશન કર્યું છે. ડિમોલિશન પહેલાં અને પછી કાયદાકીય યોગ્ય પ્રક્રિયાઓ પાર પાડવામાં આવી છે.’