તમે જે વચન આપ્યું છે એને વળગી રહેજો

16 December, 2022 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોખલે બ્રિજના કામને સમયસર પૂરું કરવા વિલે પાર્લેના લોકોની બૅનરબાજી

વિલે પાર્લેના એસ. વી. રોડ પરની એક સોસાયટીના ગેટ પર લગાવાયેલું સૂચક બૅનર

ગોખલે બ્રિજને વાહનો માટે બંધ કરવામાં આવતાં અનેક મુંબઈગરાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે એનો સૌથી વધુ ભોગ વિલે પાર્લે અને અંધેરીના જ લોકોને બનવું પડી રહ્યું છે. પહેલાં અંધેરી-ઈસ્ટથી વેસ્ટ જવા માટે પાંચથી ૧૦ મિનિટનો સમય લાગતો હતો અને હવે તેમને ૪૦ મિનિટ જેટલો સમય લાગી જાય છે. હવે રેલવેએ બ્રિજનું તોડકામ પણ શરૂ કરી દીધું છે ત્યારે વિલે પાર્લેના રહેવાસીઓએ એ બ્રિજનું કામ સમયસર મે ૨૦૨૩ સુધીમાં પૂરું કરી લેવાનું વચન જે બીએમસીએ આપ્યું છે એ નિભાવજો એમ બૅનર દ્વારા કહેવાનું ચાલુ કર્યું છે.

વિલે પાર્લેના એસ. વી. રોડ પર ઇર્લા પાસેની એક સોસાયટીમાં રહેતા બિઝનેસમૅન અંધેરી-ઈસ્ટમાં તેમની ફૅક્ટરી ધરાવે છે. તેમના કહેવા મુજબ પહેલાં તેઓ ગોખલે બ્રિજથી બહુ જ ઝડપથી ઈસ્ટ-વેસ્ટમાં અવરજવર કરી શકતા હતા, પણ હવે તેમણે પહેલાં ભારે ટ્રાફિકમાં અંધેરી તરફ જવું પડે છે અને ત્યાર બાદ ત્યાંથી યુ ટર્ન લઈને કૅપ્ટન ગોરે બ્રિજ (પાર્લે બિસ્કિટ ફૅક્ટરીવાળો બ્રિજ) પરથી વેસ્ટમાં જવા ૪૦ મિનિટ લાગી જાય છે. આમ આ માત્ર તેમની જ નહીં, અનેક લોકોની સમસ્યા છે. એથી એસ. વી. રોડ પરની કેટલીક સોસાયટીઓના રહેવાસીઓએ આ હાડમારીમાંથી વહેલી તકે છુટકારો મળે એ માટે ઍટ લીસ્ટ એ બ્રિજ એના પૂર્વનિર્ધારિત સમયગાળામાં નવો બનાવી દેવાય એ માટે બીએમસી, સ્થાનિક વિધાનસભ્ય અને નગરસેવકોને ઉદ્દેશીને સોસાયટીના ગેટ પર બૅનર લગાડ્યાં છે કે તમે જે વચન આપ્યું છે કે એ બ્રિજ મે ૨૦૨૩ સુધીમાં તૈયાર કરી દઈશું એને વળગી રહેજો.

આ સંદર્ભે સ્થાનિક વિધાનસભ્ય પરાગ અવલાણીનું શું કહેવું છે એ જાણવા ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો હતો. જોકે તેમણે ફોન રિસીવ નહોતો કર્યો અને તેમને કરેલા મેસેજનો પણ જવાબ આપ્યો નહોતો.

mumbai mumbai news vile parle andheri