07 May, 2025 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈના ડાયમન્ડના વેપારીને આપવામાં આવેલું બનાવટી નોટોનું બંડલ.
વિલે પાર્લે-વેસ્ટમાં એસ. વી. રોડ પર રહેતા ૪૪ વર્ષના ડાયમન્ડના વેપારીને ગોરેગામના ઑબેરૉય મૉલ નજીક બોલાવીને ૨૦ લાખ રૂપિયાની બનાવટી નોટો પધરાવી જનાર ત્રણ લોકો સામે દિંડોશી પોલીસે ફરિયાદ નોંધી છે. કલકત્તાના એક વેપારીએ વ્યવસાયના ૨૦ લાખ રૂપિયા આંગડિયા મારફત મુંબઈના વેપારીને મોકલ્યા હતા. એ પૈસા લેવા વેપારીને ઑબેરૉય મૉલ નજીક બોલાવીને ૫૦૦ રૂપિયાની નોટનાં બંડલ છે કહીને ચાર બંડલ આપ્યાં હતાં. જોકે પછી બંડલ ખોલીને જોતાં પહેલી અને છેલ્લી નોટ ચિલ્ડ્રન્સ નોટ હતી અને બાકીનાં બધાં કોરાં કાગળ હતાં. આ મામલે સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ કેસની તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર છેતરપિંડી કરનાર ત્રણ જણની પોલીસે ઓળખ કરી લીધી છે.
ત્રણે આરોપીઓએ વેપારીને તડકામાં કલાકો સુધી ઊભા રાખ્યા હતા, જ્યારે વેપારી કંટાળીને ફ્રસ્ટ્રેસ થઈ ગયો ત્યારે તેઓ વેપારી પાસે આવીને ૫૦૦ રૂપિયાનાં ૪ બંડલ પધરાવીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા એમ જણાવતાં દિંડોશીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અજય આફલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડાયમન્ડ માર્કેટમાં વ્યવસાય કરતા વેપારીને કલકત્તાના એક વેપારી પાસેથી ૨૦ લાખ રૂપિયા લેવાના હતાં. દરમ્યાન કલકત્તાના વેપારીએ વાયા વાયા આંગડિયા મારફત મુંબઈના વેપારીને પૈસા મોકલ્યા હતા જે ગયા અઠવાડિયાના અંતે વેપારીને મળવાના હતા. શુક્રવારે સાંજે નીરવ નામની વ્યક્તિએ ફોન કરીને પોતાની ઓળખ આંગડિયા-કર્મચારી હોવાનું કહીને શનિવારે સવારે પૈસા લેવા ગોરેગામ બોલાવ્યો હતો. વેપારી કારમાં પૈસા લેવા આવ્યો હતો. શનિવારે સવારે કલાકો સુધી આરોપીઓએ વેપારીને રાહ જોવડાવી હતી. ત્યાર બાદ ત્રણ જણ વેપારીની કાર નજીક આવ્યા હતા જેમાંથી બે જણ કારમાં બેઠા હતા અને એક કારની બહાર ઊભો હતો. સામાન્ય રીતે આંગડિયામાં એક બાજુ પૈસા મળ્યા બાદ બીજી જગ્યાએ પૈસા આપવામાં આવે છે એ મુજબ વેપારીને પહેલાં પૈસાનાં બંડલ બતાવવામાં આવ્યાં હતાં જે જોઈને વેપારીએ કલકત્તાના વેપારીને ફોન કરીને આંગડિયાને ૨૦ લાખ રૂપિયા જમા કરાવવાનું કહી દીધું હતું. સામે આ લોકો વેપારીને બંડલ આપીને ચાલ્યા ગયા હતા. થોડી વાર પછી જ્યારે વેપારીએ બંડલ ખોલ્યાં ત્યારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આ કેસમાં આરોપીની ગૅન્ગના મેમ્બરોએ કલકત્તાના વેપારી પાસેથી સાચા ૨૦ લાખ રૂપિયા લઈને નકલી રૂપિયાનાં બંડલ પધરાવ્યાં હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’