લાતુરના પ્રિન્સ બીજેપીમાં જોડાશે?

13 January, 2023 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના સદ્ગત વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખના પુત્રો અમિત અને ધીરજ ગમે ત્યારે પાલો બદલવાની શક્યતા

અમિત અને ધીરજ દેશમુખ બીજેપીમાં જોડાવાની શક્યતા છે

મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસની હાલત ખરાબ છે ત્યારે આ પક્ષના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખના પુત્રો અમિત અને ધીરજ દેશમુખ બીજેપીમાં જોડાવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બીજેપીના નેતાઓ આ બાબતનો વિરોધ કરી રહ્યા છે તો પણ નજીકના ભવિષ્યમાં લાતુરના પ્રિન્સ પાલો બદલે એવી શક્યતા જોવાઈ રહી છે. આ સિવાય કૉન્ગ્રેસના યુવા નેતા સત્યજિત તાંબે પણ બીજેપીમાં જઈ રહ્યા હોવાની ચર્ચા છે.

અમિત અને ધીરજ દેશમુખ બીજેપીમાં જોડાવાની શક્યતા છે ત્યારે ગઈ કાલે બીજેપીના વિધાનસભ્ય સંભાજી પાટીલ નિલંગેકરે એક કાર્યક્રમમાં અમિત અને ધીરજ દેશમુખની ટીકા કરતાં કહ્યું હતું કે ‘લાતુરના પ્રિન્સ, રાજકુમાર એવા અમિત દેશમુખ ક્યારેય જનતાના સવાલ લઈને લોકોની વચ્ચે ગયા નથી. હવે તેમને બીજેપીમાં આવવું છે. તેઓ સતત સત્તામાં રહેવા માગે છે. તેઓ બીજેપીમાં આવશે તો કાર્યકરોને નહીં ગમે.’

અમિત દેશમુખ લાતુર વિધાનસભામાંથી ત્રણ વખત ચૂંટાઈને આવ્યા છે. કૉન્ગ્રેસ અને એનસીપીની સરકારમાં તેઓ પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમના નાના ભાઈ ધીરજ દેશમુખ લાતુર ગ્રામીણના વિધાનસભ્ય છે. આ બંને ભાઈઓ બીજેપીમાં આવશે તો પક્ષમાં તેમણે સંભાજી પાટીલ નિલંગેકર સાથે સ્પર્ધા કરવી પડશે.

દેવેન્દ્ર ફડણવીસે કર્યો કૉન્ગ્રેસનો કરેક્ટ કાર્યક્રમ?

નાશિક ગ્રૅજ્યુએટ્સ ચૂંટણી માટે કૉન્ગ્રેસે સુધીર તાંબેને ઉમેદવારી આપી છે, પરંતુ તેમણે ગઈ કાલે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે કૉન્ગ્રેસને બદલે અપક્ષ તરીકે ઉમેદવારી ફૉર્મ ભર્યું હતું અને ચૂંટણીમાં બીજેપીનું સમર્થન માગ્યું છે. આથી નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ૩૬ દિવસ પહેલાં કરેલી વાત તાજી થઈ છે અને તેમણે કૉન્ગ્રેસનો કરેક્ટ કાર્યક્રમ કર્યો હોવાની ચર્ચા છે. ગયા વર્ષે ૭ ડિસેમ્બરે સત્યજિત તાંબેના સિટિઝનવિલ નામના પુસ્તકના મરાઠી અનુવાદિત પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૉન્ગ્રેસના નેતા બાળાસાહેબ થોરાત અને દેવેન્દ્ર ફડણવીસ સામેલ થયા હતા. આ સમયે દેવેન્દ્ર ફડણવીસે અમારું લક્ષ્ય સત્યજિત તાંબે પર હોવાનો સંકેત આપતાં કહ્યું હતું કે ‘બાળાસાહેબ, મારી તમને ફરિયાદ છે કે તમે કેટલા દિવસ આવા નેતાઓને બહાર રાખશો. વધુ સમય સુધી તમે રોકી નહીં શકો. અમારી નજર તેમના પર છે. સારા માણસો એકત્રિત કરવાના હોય છે.’

વર્ષના અંતમાં મુંબઈથી નવી મુંબઈ ૧૫ મિનિટમાં પહોંચી શકાશે

મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર ઓછું થઈ શકે એ માટે મુંબઈ ટ્રાન્સ-હાર્બરની ૨૨ કિલોમીટર લાંબી લાઇનનું કામ અત્યારે ચાલી રહ્યું છે. બુધવારે ખાડી પર ચાલી રહેલા કામમાં એશિયાનો સૌથી લાંબો ગર્ડરને બેસાડવામાં આવ્યો ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હાજર રહ્યા હતા. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘અત્યારે મુંબઈથી નવી મુંબઈ જવામાં ત્રણેક કલાક જેટલો સમય લાગે છે. આ વર્ષના અંત સુધીમાં ટ્રાન્સ-હાર્બરના સૌથી મોટા બ્રિજનું કામ પૂરું થઈ ગયા બાદ માત્ર ૧૫ મિનિટમાં મુંબઈથી નવી મુંબઈ પહોંચી શકાશે. આ બ્રિજ પર સિંગાપોર જેવા શહેરમાં છે એવી ટોલનું પેમેન્ટ કરવાની અદ્યતન ઓપન રોડ ટોલિંગ ટેક્નૉલૉજી બેસાડવામાં આવશે. આવી ટેક્નૉલૉજીવાળો ભારતનો આ પહેલો બ્રિજ બનશે. બ્રિજની કુલ લંબાઈ ૨૨ કિલોમીટર છે, જેમાંથી ૧૬.૫ કિલોમીટર સમુદ્રની ઉપરથી પસાર થાય છે. આ સિવાય ટ્રાન્સ-હાર્બર લિંકને અત્યારે બાંધવામાં આવી રહેલા આઠ લાઇનના કોસ્ટલ હાઇવે સાથે જોડવામાં આવશે.’

ફાયરિંગ કરનારા સદા સરવણકરની મુશ્કેલી વધશે?

ગયા વર્ષે ગણેશોત્સવમાં વિસર્જન વખતે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ સામસામે આવવાની ઘટના બની હતી ત્યારે સ્થાનિક વિધાનસભ્ય સદા સરવણકરે ફાયરિંગ કર્યું હોવાનો આરોપ ઉદ્ધવ ઠાકરે જૂથે કર્યો હતો. ઘટનાસ્થળેથી મળેલી ગોળીના ખાલી સેલને તાબામાં લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ગોળી કઈ પિસ્તોલમાંથી છોડવામાં આવી હતી એ જાણવા માટે બૅલેસ્ટિક વિભાગમાં તપાસ સોંપવામાં આવી હતી. બેલેસ્ટિકનો રિપોર્ટ ગઈ કાલે આવી ગયો છે, જેમાં ઘટનાસ્થળેથી મળી આવેલો ગોળીનો સેલ એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સદા સરવરણકરની પિસ્તોલનો જ હોવાનું જણાઈ આવ્યું છે. આથી તેમની મુશ્કેલી વધી શકે છે. ઉલ્લેખનીય છે કે આરોપ કરાયો હતો ત્યારે સદા સરવણકરે પોતાની પિસ્તોલમાંથી કોઈ ગોળી છોડવામાં જ ન આવી હોવાનું કહ્યું હતું.

mumbai mumbai news maharashtra vilasrao deshmukh indian politics bharatiya janata party