એક કા ડબલના નામે સાચી નોટોને બદલે ચિલ્ડ્રન બૅન્કની નોટો પધરાવતા ઠગ પકડાયા

13 August, 2025 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહેરાત પર શંકા જતાં અમારા એક ગુપ્ત બાતમીદારને તેણે માહિતી આપી હતી. અમને ઘટનાની જાણ થતાં અમે દીપક સાથે વિક્રોલી સ્ટેશન વિસ્તારમાં સોમવારે સાંજે છટકું ગોઠવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

એક કા ડબલ આપવાના નામે સાચી નોટને બદલે ચિલ્ડ્રન બૅન્કની નોટો પધરાવતા ચાર આરોપીઓની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૬ની ટીમે વિક્રોલી રેલવે-સ્ટેશન નજીક છટકું ગોઠવીને ધરપકડ કરી હતી. આરોપીઓ સોશ્યલ મીડિયા પર ૧૦૦ રૂપિયાની ૧૦ નોટની સામે ૫૦૦ રૂપિયાની ૪ નોટ આપવાનો દાવો કરીને જાહેરાત કરતા હતા. આ જાહેરાતના આધારે મુંબઈ સહિત આસપાસ રહેતા લોકોને રાતના સમયે વિક્રોલી-ઘાટકોપરની આસપાસ બોલાવીને ખોટી નોટ આપીને સાચી ચલણી નોટ લઈને નાસી જતા હતા. પ્રાથમિક તપાસ કરતાં આરોપી સામે મુંબઈનાં બીજાં પોલીસ-સ્ટેશનોમાં પણ ફરિયાદ નોંધાઈ છે.

ક્રાઇમ બ્રાચ યુનિટ-૬ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મલાડમાં રહેતા દીપક જાધવે સોશ્યલ મીડિયા પર ૧૦૦ રૂપિયાની ૧૦ નોટ સામે ૫૦૦ રૂપિયાની ચાર નોટ આપવાનો દાવો કરતી જાહેરાત જોઈ હતી. એ પછી આપેલા નંબર પર સંપર્ક કરવામાં આવતાં તેને ૨૫,૦૦૦ રૂપિયા લઈને વિક્રોલી બોલાવવામાં આવ્યો હતો. જોકે તેને આ જાહેરાત પર શંકા જતાં અમારા એક ગુપ્ત બાતમીદારને તેણે માહિતી આપી હતી. અમને ઘટનાની જાણ થતાં અમે દીપક સાથે વિક્રોલી સ્ટેશન વિસ્તારમાં સોમવારે સાંજે છટકું ગોઠવ્યું હતું. આશરે સાડાઆઠ વાગ્યે એક યુવકે દીપકની નજીક આવી પહેલાં ૨૫,૦૦૦ રૂપિયાની અસલી નોટો લીધી હતી અને એની સામે તેણે થેલીમાં ૧૦૦ રૂપિયાનાં પાંચ બંડલ આપ્યાં હતાં. એ સમયે નોટો બદલનાર યુવકને અમે ઝડપી લીધો હતો. થેલીમાં રહેલી નોટો તપાસતાં અંદરથી ચિલ્ડ્રન બૅન્કની નોટો એટલે કે બાળકો રમે એવી નોટોનાં બંડલ મળી આવ્યાં હતાં. આરોપીનું નામ મોહમ્મદ ચૌધરી હોવાનું જણાયું હતું. તેની વધુ પૂછપરછ કરતાં આ ગુનામાં તેના અન્ય સાથીઓ થોડા દૂર ઊભા હોવાનું જણાવતાં અમે બીજા ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતીમાં એવો ખુલાસો થયો હતો કે આરોપીની એક ગૅન્ગ છે જે મુંબઈ, થાણે સહિતના આસપાસના વિસ્તારોમાં આ રીતે લોકો સાથે છેતરપિંડી કરતા હતા. આ પહેલાં પણ તેમની સામે ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.’

mumbai crime branch crime branch mumbai crime news mumbai crime news mumbai police news mumbai news vikhroli