24 September, 2025 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝાડ સાથે અથડાતાં સ્કૂલ-વૅનનો આગળનો કાચ તૂટી ગયો હતો અને વૅન આગળથી દબાઈ ગઈ હતી. એને લીધે આગળ બેઠેલા ડ્રાઇવર અને બાળકોને ઈજા થઈ હતી.
વાશીના સેક્ટર-૯માં એક પ્રાઇવેટ સ્કૂલ-વૅનના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં વૅન રસ્તાની બાજુ પર આવેલા ઝાડને અથડાઈ હતી. એને કારણે વૅનના ડ્રાઇવર અને બે વિદ્યાર્થીને ઈજા થઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ મંગળવારે સવારે ૭ વાગ્યે ફાધર અગ્નેલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જતી વૅન રસ્તા પરથી ઊતરી ગઈ હતી અને ઝાડને ભટકાઈ હતી. વૅનનો આગળનો કાચ તૂટી ગયો હતો અને ટક્કરને કારણે આગળનો ભાગ પણ દબાઈ ગયો હતો. અકસ્માતમાં ઈજા પામેલા બે વિદ્યાર્થી અને ડ્રાઇવરને વાશીની MGM હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેણે બસનું સ્ટિયરિંગ લૉક થઈ જવાને કારણે અકસ્માત થયો હોવાનું કહ્યું હતું. આ નિવેદનની ખરાઈ કરવા માટે ટેક્નિકલ ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું.