29 September, 2025 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વસઈની ખાડી પરથી પસાર થતા રેલવે-ટ્રૅકની બાજુમાંથી પસાર થતા યુવકે અણધારી રીતે જીવ ગુમાવ્યો હતો. નાયગાંવ અને ભાઈંદર વચ્ચેની ખાડી પરના બ્રિજ પરથી પસાર થઈ રહેલી લોકલ ટ્રેનમાંથી કોઈ મુસાફરે ખાડીમાં પધરાવવા માટે એક શ્રીફળ ફેંક્યું હતું, જે બ્રિજ પાસેથી પસાર થઈ રહેલા સંજય ભોઈર નામના ૩૦ વર્ષના યુવકના માથામાં વાગ્યું હતું. સ્પીડમાં જતી ટ્રેનમાંથી ફેંકાયેલું શ્રીફળ ખૂબ જોરથી વાગતાં સંજયને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને સારવાર દરમ્યાન ગઈ કાલે તેણે જીવ ગુમાવ્યો હતો.
શનિવારે સવારે ૮.૩૦ વાગ્યે નાયગાંવ અને ભાઈંદર વચ્ચે આવેલા નાનકડા પાણજુ આઇલૅન્ડ પર રહેતો સંજય ખાડીના બ્રિજ પાસેથી ચાલીને નાયગાંવ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો એ સમયે આ બનાવ બન્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને વસઈની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હાલત વધુ ગંભીર બનતાં તેને મુંબઈની હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેણે જીવ ગુમાવ્યો હતો.