ચીને કરાવી હતી મુંબઈમાં બત્તી ગુલ

02 March, 2021 08:23 AM IST  |  Mumbai | Mid-day Correspondent

ચીને કરાવી હતી મુંબઈમાં બત્તી ગુલ

ગયા વર્ષે ૧૨ ઑક્ટોબરે પાવર ફેલ્યરને કારણે થયેલા બ્રેકડાઉન વખતે પબ્લિકે ટ્રેનો બંધ થઈ જતાં સ્ટેશન પર જ બેસવાનો વારો આવ્યો હતો.

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ સહિત થાણે અને નવી મુંબઈમાં ૧૨ ઑક્ટોબરે અભૂતપૂર્વ પાવરકટ થયો હતો. થાણે જિલ્લાના પડઘા ખાતે આવેલા લોડ ડિસ્પેચ સેન્ટરમાં થયેલા ટ્રિપિંગને કારણે એ પાવરકટ થયો હતો. એને કારણે આખા મુંબઈનો બીએસઈ અને એનએસઈ સહિતનો વ્યવહાર પણ થોડા સમય માટે અટકી ગયો હતો. અમુક હૉસ્પિટલોમાં ઑપરેશન ચાલી રહ્યાં હતાં ત્યારે વીજપુરવઠો ખંડિત થતાં તરત જ જનરેટર ચાલુ કરીને એની સહાય લેવી પડી હતી. કલાકો સુધી પાવરકટ થતાં અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. કેટલાક વિસ્તારોમાં તો ૧૨ કલાક પછી પાવર રીસ્ટોર થઈ શક્યો હતો. હવે ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’માં આ બાબતે છપાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એ પાવરકટ પાછળ ચીનની સરકારી કંપનીએ કરેલા સાઇબર-અટૅકનો હાથ હતો.

‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’માં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ‘એ વખતે ભારત અને ચીન વચ્ચે સીમા પર બહુ જ તનાવપૂર્ણ સ્થિતિ હતી. ગલવાનનું વેર વાળવાનો ચીનનો ઇરાદો હતો. ભારતમાં વીજપુરવઠાનું સરળતાથી ડિસ્ટ્રિબ્યુશન થતું રહે એ માટે સૉફ્ટવેર અને અમુક સિસ્ટમ વાપરવામાં આવે છે. એવું કહેવાય છે કે એ સિસ્ટમમાં ચીનની સરકારી કંપની રેડઇકોના હૅકર્સે માલવેર (એક પ્રકારનો સૉફ્ટવેર જે કમ્પ્યુટર સિસ્ટમને નુકસાન પહોંચાડવા કે પછી એમાં ગેરકાયદે ઍક્સેસ મેળવવા બનાવવામાં આવ્યો હોય) ઇન્જેક્ટ કર્યો હતો. નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્ર પોલીસના સાઇબર વિભાગે પણ એ પાવરકટ પાછળ સાઇબર-હુમલો જવાબદાર હોવાની શક્યતા દર્શાવી હતી.’

સાઇબર સિક્યૉરિટી પૂરી પાડતી અમેરિકન કંપની રેકૉર્ડેડ ફ્યુચરે એ માલવેર શોધી કાઢ્યો હતો. કંપનીના એક્ઝિક્યુટિવ ઑફિસર સ્ટુઅર્ટ સોલોમને ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’ને કહ્યું હતું કે ‘ચીનની કંપની રેડઇકો દ્વારા ભારતની વીજપુરવઠો પૂરી પાડતી સિસ્ટમમાં ૧૨ કરતાં વધુ જગ્યાએ માલવેર ઇન્જેક્ટ કરવામાં આવ્યા હતા. જોકે એમાંથી કેટલાક જ માલવેર ઍક્ટિવ થયા હતા. માલવેર ટ્રેસિંગમાં પણ કોડ રિસ્ટ્રિક્શનને કારણે તેઓ એ બાબતે બહુ ઝીણવટપૂર્વક માહિતી મેળવી શક્યા નહોતા. ચીનના આ સાઇબર અટૅક બાબતે ભારતીય અધિકારીઓને પણ જાણ કરાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.’

રેકૉર્ડેડ ફ્યુચરે એના બ્લૉગમાં પણ કહ્યું છે કે ‘૨૦૨૦ની શરૂઆતથી જ રેકૉર્ડેડ ફ્યુચરના ઇન્સ્કિટ ગ્રુપને જાણ થઈ હતી કે ચીની કંપની દ્વારા ભારતની સરકારી કંપનીઓની સિસ્ટમમાં ઘૂસવાના પ્રયાસ થઈ રહ્યા છે. ૨૦૨૦ના મધ્યમાં વીજસિસ્ટમની ડિમાન્ડ ઍન્ડ સપ્લાયને કન્ટ્રોલ કરતા સૉફ્ટવેરમાં ૧૦ કરતાં વધુ સાઇબર-અટૅક કરીને એના પર કાબૂ મેળવવાના પ્રયાસ થયા હોવાનું પણ જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત દેશનાં બે બંદરોની સિસ્ટમ પર પણ સાઇબર-અટૅક કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં અમે રેડઇકોની હિલચાલ પર નજર રાખીશું.’

એ ભાંગફોડ કરવાના ઇરાદે થયેલો સાઇબર-અટૅક : ઊર્જાપ્રધાન

‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’ના ઘટસ્ફોટ બાદ રાજ્યના ઊર્જાપ્રધાન નીતિન રાઉતે કહ્યું હતું કે ‘ગયા વર્ષે મુંબઈમાં જે અંધારપટ થયો હતો એ ભાંગફોડના ઇરાદે થયેલો સાઇબર-અટૅક હતો. આ બાબતની અમે સાઇબર સેલને ફરિયાદ કરી હતી. એમનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે, પણ પ્રાથમિક માહિતીના આધારે આ ભાંગફોડિયું કૃત્ય હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે.’

mumbai mumbai news navi mumbai thane