હેલ્મેટ નથી પહેરી? દંડ નહીં થાય, રક્ષાકવચ મળશે

28 August, 2026 05:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં મહિલા ટ્રાફિક-પોલીસની અનોખી પહેલ : નિયમોનું ઉલ્લંઘન કરનારા મોટરિસ્ટોને ફાઇન મારવાને બદલે રાખડી બાંધી અને બાઇકસવારોને મફત હેલ્મેટનું વિતરણ કર્યું

થાણેના તીનહાથ નાકા પર રાખડી લઈને ઊભેલી અને એક બાઇકરને રાખડી બાંધતી મહિલા પોલીસ.

રક્ષાબંધનના તહેવાર અગાઉ થાણે ટ્રાફિક-પોલીસે મોટરિસ્ટોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા સરાહનીય અને અનોખો ઉપક્રમ હાથ ધર્યો હતો. થાણેના વ્યસ્ત તીનહાથ નાકા જંક્શન પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને દંડ કરવાને બદલે મહિલા ટ્રાફિક-પોલીસે તેમના હાથ પર રાખડી બાંધીને સુરક્ષિત ડ્રાઇવિંગનો ભાવાત્મક સંદેશ આપ્યો હતો. પોલીસે મોટરિસ્ટોને સમજાવ્યું હતું કે પરિવાર માટે તેમની સુરક્ષા જ ખરી ભેટ છે. થાણે ટ્રાફિક-પોલીસનો આ ઉપક્રમ ખરા અર્થમાં રાખડીના તાંતણે સુરક્ષાનો સંદેશ આપનારો સાબિત થયો છે.
થાણેના ટ્રાફિક-વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) પંકજ શિરસાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ટીમે નિયમો તોડનારા બાઇકસવારોને રોકીને તેમની સાથે સંવાદ સાધ્યો હતો અને દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે હેલ્મેટ આપીને તથા ટ્રાફિક-સુરક્ષાનું મહત્ત્વ સમજાવીને કાઉન્સેલિંગ કર્યું હતું. આ દરમ્યાન ખાસ કરીને હેલ્મેટ વિના બાઇક ચલાવતા વાહનચાલકોને મહિલા પોલીસે રાખડી બાંધીને મફત હેલ્મેટનું વિતરણ કર્યું હતું, જેને નાગરિકો તરફથી ભારે આવકાર મળ્યો હતો. રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણનો તહેવાર છે. આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને અમે દંડની બીક બતાવવાને બદલે સ્નેહથી સુરક્ષાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.’

mumbai news mumbai thane mumbai traffic mumbai traffic police raksha bandhan