03 March, 2025 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રક્ષા ખડસે પોતાની દીકરીને લઈને પોલીસ-સ્ટેશન પહોંચ્યાં હતાં.
મહાશિવરાત્રિએ જળગાવ જિલ્લાના એક ગામમાં મુક્તાઈ યાત્રામાં પાંચ યુવકોએ રક્ષા ખડસેની પુત્રીનો પીછો કરી તેની પાસે જઈને વિડિયો ઉતાર્યો. સિક્યૉરિટી ગાર્ડે વિડિયો ડિલીટ કરવા કહ્યું તો માથા ફરેલાઓએ તેમને પણ માર્યા એટલું જ નહીં, સેન્ટ્રલ મિનિસ્ટરની દીકરી સાથે આવું ન કરો એવું સુરક્ષાકર્મીઓએ કહ્યું હોવા છતાં આરોપીઓને કોઈ ફરક ન પડ્યો : કોઈ ઍક્શન ન લેવાઈ હોવાથી ગુસ્સે ભરાયેલાં રક્ષા ખડસેએ ગઈ કાલે પોલીસ-સ્ટેશને જઈને આક્રોશ વ્યક્ત કર્યો
૧૫ વર્ષથી લગ્નનું વચન આપીને છેતરતા પ્રેમીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત પુણેના સ્વારગેટ બસડેપોમાં બસની અંદર બળાત્કારનો મામલો સામે આવ્યા બાદથી મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસેની પુત્રીની જળગાવ જિલ્લાના મુક્તાઈનગર તાલુકાના કોથળી ગામમાં મુક્તાઈ યાત્રામાં કેટલાક લોકોએ છેડતી કરી હોવાની ઘટના બનવાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ-બંદોબસ્ત વચ્ચે પણ પાંચ યુવકોએ છેડતી કરતાં મામલો પોલીસ-સ્ટેશન પહોંચ્યો હતો અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના એક વિધાનસભ્યના નજીકના કાર્યકર અનિકેત મોરેની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય ચાર સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલો મહાશિવરાત્રિનો છે. રક્ષા ખડસેની પુત્રીના સિક્યૉરિટી ગાર્ડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં આરોપીઓ સામે કોઈ કાર્યવાહી ન થતાં ગઈ કાલે રક્ષા ખડસે પોલીસ-સ્ટેશન પહોંચ્યાં હતાં અને આરોપીઓની ધરપકડ કરવાની માગણી કરી હતી.
મુક્તાઈનગર પોલીસના જણાવ્યા મુજબ અહીંના કોથળી ગામમાં મહાશિવરાત્રિ નિમિત્તે સંત મુક્તાઈ યાત્રા કાઢવામાં આવી હતી એમાં કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસેની પુત્રી લોકોને ફરાળ આપી રહી હતી. આ સમયે ભોઈ નામનો એક યુવક તેની પાસે આવ્યો હતો અને તેની પાછળ-પાછળ ફરવા લાગ્યો હતો. સાંજે રક્ષા ખડસેની દીકરી ફ્રેન્ડ્સ સાથે ફરવા ગઈ ત્યારે ભોઈ તેના કેટલાક ફ્રેન્ડ્સ સાથે તેની નજીક ગયો હતો અને તેનો વિડિયો શૂટ કરવા લાગ્યો હતો. આ જોઈને તેના સિક્યૉરિટી ગાર્ડે ભોઈ અને તેની સાથેના યુવકોને દૂર રહેવાનું કહ્યું ત્યારે તેમણે ગાર્ડની પણ મારપીટ કરી હતી. સિક્યૉરિટી ગાર્ડે આરોપીઓને કહ્યું હતું કે તમે જેની છેડતી કરી રહ્યા છો તે કેન્દ્રીય પ્રધાનની દીકરી છે. આમ છતાં આરોપીઓને કોઈ ફરક નહોતો પડ્યો અને તેમણે ગાર્ડને પણ માર્યા હતા.
સિક્યૉરિટી ગાર્ડની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો છે. જોકે પોતાની પુત્રી અને તેની ફ્રેન્ડ્સની છેડતી કરનારાઓ સામે પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં રક્ષા ખડસે ગઈ કાલે આક્રમક બની ગયાં હતાં. તેઓ પોલીસ-સ્ટેશન પહોંચી ગયાં હતાં અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવાની માગણી કરી હતી. આથી મુક્તાઈનગર પોલીસે અનિકેત ભોઈ, પીયૂષ મોરે, સોમ માળી, અનુજ પાટીલ અને કિરણ માળી નામના પાંચ યુવકો સામે ફરિયાદ નોંધીને અનિકેત ભોઈની ધરપકડ કરી હતી. બાકીના આરોપીઓને પોલીસ શોધી રહી છે.
મહિલાઓની સુરક્ષા રામભરોસે : એકનાથ ખડસે
રક્ષા ખડસેના સસરા અને વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ છેડતીની ઘટના વિશે કહ્યું હતું કે ‘રાજ્યમાં મહિલાઓની સુરક્ષા રામભરોસે છે. આ પહેલાં પણ આ પરિસરમાં આવી ઘટનાઓ બની છે, પણ યુવતીઓ પોલીસ-સ્ટેશન જતાં ગભરાય છે. મેં મારી પૌત્રીને કહ્યું કે તું પોતે જઈને ફરિયાદ કર, આપણે ડરવાની જરૂર નથી. રક્ષાએ પણ પોલીસ સાથે આ વિશે વાત કરી છે. છેડતી કરનારા ગુંડા છે. તેમની સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. તેમણે યુવતીઓનો વિડિયો શૂટ કરતા રોકનારી પોલીસની પણ મારપીટ કરી છે.’
આરોપી ચોક્કસ પાર્ટીનો કાર્યકર : મુખ્ય પ્રધાન
છેડતીની ઘટના વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કમનસીબે એક ચોક્કસ પક્ષના પદાધિકારી આ મામલામાં સંકળાયેલા છે. તેમણે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. છેડતી કરનારાઓ સામે ફરિયાદ નોંધીને કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી છે. સાર્વજનિક જગ્યાએ આવી રીતે છેડતી કરીને પરેશાન કરવું બહુ ખરાબ વાત છે. કોઈ પણ સંજોગોમાં આવા લોકોને માફ નહીં કરવામાં આવે. તેમને કડક સજા થશે.’
હું ત્યાં આવીશ તો ધીંગાણું કરીશ : રક્ષા ખડસે
પુત્રીની છેડતી કરવામાં આવી હોવાની જાણ થયા બાદ રક્ષા ખડસેએ આરોપી અનિકેત ભોઈના મિત્ર પીયૂષ મોરેને ફોન કરીને કહ્યું હતું કે ‘પીયૂષ, તારા જૂના ગામમાં તારા ફ્રેન્ડે મારી દીકરીનો વિડિયો શૂટ કરવાની સાથે છેડતી કરી છે. આમ છતાં તું તેને સપોર્ટ કરે છે. આવું બે વખત થયું છે. જો હું ત્યાં આવીશ તો ધીંગાણું કરીશ.’