આધે ઇધર, આધે ઉધર, હમ તો કડક જેલર

29 August, 2023 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવ ઠાકરેની આવી અવસ્થા થઈ ગઈ હોવાનું મુંબઈ બીજેપીના અધ્યક્ષ ઍડ્વોકેટ આશિષ શેલારે કહ્યું

ઉદ્ધવ ઠાકરે, આશિષ શેલાર

ઉદ્ધવ ઠાકરેએ બીજેપી અને રાજ્ય સરકાર પર ટીકા કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે ચંદ્રયાન પ્રોજેક્ટને ઉદ્ધવ ઠાકરેએ વૈજ્ઞાનિકોને કેમ ન બિરદાવ્યા? ભારત અને ભારતના વૈજ્ઞાનિકોએ મેળવેલી સિદ્ધિ આખી દુનિયાએ જોઈ અને વખાણી, પણ મને આ વાત સારી ન લાગી એમ લાગ્યું? તમે વૈજ્ઞાનિકોને કેમ અભિનંદન ન આપ્યાં? એક પત્ર, એક શુભેચ્છા કે અભિનંદન પણ ન કર્યું. પાકિસ્તાને શુભેચ્છા આપ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા આવી છે. તો ઉદ્ધવજી, તમારી પ્રતિક્રિયાની ​​સ્ક્રિપ્ટ બીજે ક્યાંક મંજૂર થાય છે? મંજૂરી મળ્યા બાદ બોલો છો? આવો સવાલ મુંબઈ બીજેપીના અધ્યક્ષ ઍડ્વોકેટ આશિષ શેલારે ગઈ કાલે કર્યો હતો.

પત્રકારો સાથેની વાતચીતમાં આશિષ શેલારે વધુમાં કહ્યું હતું કે ‘ચંદ્ર પર ઘરની વાત કરીએ તો તમારી વાત પર મુંબઈકરો કે દેશવાસીઓને વિશ્વાસ નથી. આથી ઉદ્ધવજીએ કરેલું ઉપહાસાત્મક નિવેદનને સહજતાથી ન લેવું જોઈએ એમ હું નમ્રપણે કહું છું. મને હવે એવી શંકા છે કે ભ્રષ્ટાચારની આવક એટલી વધી ગયા બાદ માતોશ્રી એક થયું, માતોશ્રી બે થયું અને હવે તેઓ ક્યાંક ચંદ્ર પર માતોશ્રી ત્રણ બનાવવાનું તો નથી વિચારી રહ્યાને? ઉદ્ધવ ઠાકરેની સભા એટલે પબ્લિકની સામે રડવાનો રુદાલીનો કાર્યક્રમ હોય છે. બીજાના ઘરમાં ડોકિયું કરતાં પહેલાં પોતાના ઘરમાં શું ચાલી રહ્યું છે એ જુઓ. તેમની હાલત ‘શોલે’ ફિલ્મમાં કડક જેલર અસરાનીના ડાયલૉગ આધે ઇધર, આધે ઉધર જેવી થઈ ગઈ છે.’

હું જ એનસીપીનો રાષ્ટ્રીય અધ્યક્ષ

એનસીપી ચીફ શરદ પવારે પક્ષમાં ભાગલા પડ્યા બાદ અનેક વખત જાહેરમાં કહ્યું છે કે તેઓ જ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. બીજી તરફ નાયબ મુખ્ય પ્રધાન પણ કહી રહ્યા છે કે તેઓ જ પક્ષના વડા છે. આવી અવઢવ વચ્ચે ગઈ કાલે અજિત પવારે આ મામલે ગળું ખોખારીને કહી દીધું છે કે શરદ પવાર નહીં, પણ પોતે જ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. ગઈ કાલે પુણેમાં પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે ‘મારા સાથીઓએ મને રાષ્ટ્રીય પક્ષ પ્રમુખ બનાવ્યો છે. આથી કહી શકું છું કે બીજું કોઈ નહીં, હું જ એનસીપીનો રાષ્ટ્રીય પ્રમુખ છું.’

‘ઇન્ડિયા’ની મુંબઈની મીટિંગમાં સોનિયા ગાંધી આવશે

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર સામે પડકાર ઊભો કરવા માટે વિરોધી પક્ષો દ્વારા ઇન્ડિયા જૂથ બનાવવામાં આવ્યું છે, જેની આગામી ૩૧ ઑગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે મુંબઈમાં મીટિંગ બોલાવવામાં આવી છે. આ મીટિંગમાં વરિષ્ઠ કૉન્ગ્રેસી નેતા સોનિયા ગાંધી પણ મુંબઈમાં આવશે, એમ કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ ગઈ કાલે કહ્યું હતું. નાના પટોલેએ વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈની હોટેલમાં આયોજિત કરવામાં આવેલી બેઠકમાં અમારા નવા જૂથનો લોગો જાહેર કરવામાં આવશે. અશોક ચવાણ, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર સહિત દેશભરના વિરોધી પક્ષના ટોચના નેતા સામેલ થશે અને બીજેપીને સત્તામાંથી હટાવવા માટેની હાકલ કરવામાં આવશે.’

bharatiya janata party uddhav thackeray ashish shelar shiv sena nationalist congress party maharashtra political crisis mumbai mumbai news