19 April, 2025 12:08 PM IST | Nashik | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
ગુરુવારે નાશિકમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ની નિર્ધાર શિબિર યોજાઈ હતી જેમાં ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ની બૂથ-વ્યવસ્થાની પ્રશંસા કરી હતી અને BJPના સંગઠન વિશે વિસ્તારથી વાત કરી હતી. BMCની આગામી ચૂંટણીમાં BJPએ આ જ બૂથ-વ્યવસ્થાના આધારે ઉદ્ધવ ઠાકરેને ઘેરવાનો પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. BMCમાં અઢી દાયકાથી સત્તામાં રહેલા ઉદ્ધવ ઠાકરેને હટાવવા માટે ૨૦૧૭માં BJPએ સ્વતંત્ર રીતે લડીને શિવસેનાની લગોલગ બેઠક મેળવી હતી. હવે શિવસેનાના ભાગલા પડી ગયા છે ત્યારે ઉદ્ધવ ઠાકરેની તાકાતમાં ઘટાડો થયો છે ત્યારે BJPએ મોટો પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈમાં વિધાનસભાની ૩૬ બેઠક છે, પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાં ૩-૩ મંડલ-અધ્યક્ષ અને દરેક મંડલ-અધ્યક્ષને ૧૦૦ બૂથની જવાબદારી સોંપવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. આમ મુંબઈ ટાઉન અને સબર્બ્સનાં મળીને કુલ ૧૦,૧૧૧ બૂથ છે એ તમામને આવરી લેવાનો પ્લાન કરવામાં આવ્યો છે. ગયા મંગળવારે મુંબઈમાં પક્ષની મુંબઈ પ્રદેશની કોર કમિટીની બેઠક મળી હતી એમાં મંડલ-અધ્યક્ષોનાં નામ ફાઇનલ કરવામાં આવ્યાં હતાં. ટૂંક સમયમાં નામની જાહેરાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ BJPમાં પેજ-પ્રમુખ, બૂથ-પ્રમુખ, વૉર્ડ-અધ્યક્ષ, મંડલ-અધ્યક્ષ, જિલ્લાધ્યક્ષ અને મુંબઈ-અધ્યક્ષ એમ ચડતા ક્રમે પક્ષનું સંગઠન છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ મોટા પ્રમાણમાં નેતાઓ BJPમાં જોડાઈ રહ્યા છે. BMCમાં પણ મોટો વિજય મેળવવા એક વિધાનસભામાં ત્રણ મંડલ-અધ્યક્ષ નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૩૫થી ૪૫ વર્ષનાં યુવક અને યુવતીઓને મંડલના અધ્યક્ષની જવાબદારી સોંપાવાની શક્યતા છે.