11 October, 2025 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ મોટરહોમ્સ હવે મુંબઈના ટ્રાવેલર્સ ઉબરમાંથી બુક કરવી શકશે
દિલ્હી NCRમાં પ્રોજેક્ટની સફળતા પછી ઉબરે આજે એના લિમિટેડ એડિસન ઇન્ટરસિટી મોટરહોમ્સ કૅમ્પેનને મુંબઈ, બૅન્ગલોર અને પુણેમાં લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. મોટરહોમ્સ પ્રવાસના શોખીન લોકો માટે આઉટસ્ટેશન રોડ ટ્રિપ્સ માટે ખાસ કસ્ટમ-ડિઝાઇન કરેલું, કારવાં સ્ટાઇલવાળી ઘર જેવી સુવિધા ધરાવતું વાહન છે. આ મોટરહોમ્સ હવે મુંબઈના ટ્રાવેલર્સ ઉબરમાંથી બુક કરવી શકશે. આ કૅમ્પેન દિલ્હી NCRમાં પણ ૨૦૨૫ની ૩૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. મુંબઈ, બૅન્ગલોર અને પુણેના પ્રવાસશોખીનો માટે આ સુવિધા ૧૫ ઑક્ટોબરથી શરૂ થશે. બુકિંગ ૧૩ ઑક્ટોબરથી ખૂલી જશે.
શું છે મોટરહોમ?
મોટરહોમ એ હાઉસ ઑન વ્હીલ્સ જેવું છે. એમાં બેડ, રસોડું અને વૉશરૂમ જેવી સુવિધાઓ છે. આ કારણે એમાં લોકોને પ્રવાસના આનંદ સાથે ઘરની સુવિધા મળી રહે છે અને ૪ લોકોને સાથે આરામથી મુસાફરી કરવાનો લહાવો પણ મળે છે.
શું છે ઉબરનું મોટરહોમ્સ કૅમ્પેન?
ઉબર ઇન્ટરસિટી દ્વારા આઉટસ્ટેશન ટ્રાવેલને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે ઑગસ્ટમાં આ કૅમ્પેન લૉન્ચ કરવામાં આવ્યું હતું. મોટરહોમ્સ કૅમ્પેન ટ્રાવેલર્સને આરામદાયક અને પ્રાઇવસીના ખાસ અનુભવ સાથેનો અનુભવ પૂરો પાડે છે. દિલ્હીમાં આ કૅમ્પેન લૉન્ચ થયું ત્યારે મૉન્સૂનની સીઝન દરમ્યાન એક મહિનાના આ પાઇલટ પ્રોજેક્ટમાં બધા દિવસોમાં ૧૦૦ ટકા ઑક્યુપન્સી રહી હતી. એટલે હવે આ પ્રાજેક્ટ અન્ય શહેરોમાં પણ લૉન્ચ કરવામાં આવી રહ્યો છે.