ચા લેવા સ્કૂટર પર નીકળેલા બે યુવાનનાં ફ્લાયઓવર પરથી પટકાતાં થયાં મૃત્યુ

25 January, 2023 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં મોડી રાતની ઘટનામાં વધુ પડતી સ્પીડને લીધે સ્કૂટર ફ્લાયઓવરની દીવાલ સાથે અથડાયા બાદ બંને યુવાન હવામાં ફંગોળાઈને નીચે પડ્યા

ઍક્સિડન્ટ બાદ રસ્તામાં પડેલો એક યુવક, હેલ્મેટ અને ચંપલ.


મુંબઈ : થાણેમાં માજીવાડાથી થાણે રેલવે સ્ટેશન તરફના કૅસલમિલ ફ્લાયઓવર પર ગઈ કાલે મધરાતે એક સ્કૂટરનો ઍક્સિડન્ટ થયો હતો, જેમાં સવારી કરી રહેલા બે યુવાન હવામાં ફંગોળાઈને ફ્લાયઓવરની નીચે પટકાતાં તેમનાં કરુણ મૃત્યુ થયાં હતાં. યુવાનો વધુ પડતી સ્પીડે સ્કૂટર ચલાવતા હોવાથી આ ઍક્સિડન્ટ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. મૃતક યુવાનો આર-મૉલમાં જૉબ કરતા હતા અને રાત્રે તેઓ ચા લેવા માટે નીકળ્યા હતા. મૃતકો દારૂના નશામાં હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

થાણેના રાબોડી પોલીસના જણાવ્યા મુજબ થાણેમાં રહેતો ૨૧ વર્ષનો પ્રતીક વિનોદ મોરે અને ઉલ્હાસનગરમાં રહેતો ૨૬ વર્ષનો રાજેશ બેચેનપ્રસાદ ગુપ્તા થાણેમાં આવેલા આર-મૉલમાં કામ કરતા હતા. તેઓ સોમવારે મધરાત બાદ સાડાત્રણ વાગ્યે ચા લેવા માટે સ્કૂટર પર નીકળ્યા પછી માજીવાડાથી થાણે તરફના કૅસલમિલ ફ્લાયઓવર પર પહોંચ્યા ત્યારે તેમનું સ્કૂટર દીવાલ સાથે અથડાયું હતું. સ્કૂટર વધુ પડતું સ્પીડમાં હતું એટલે બંને યુવાન હવામાં ફંગોળાઈને ફ્લાયઓવરની નીચે પટકાયા હતા. જખમી હાલતમાં તેમને સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને દાખલ કરતાં પહેલાં જ મૃત જાહેર કર્યા હતા. રાબોડી પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: Mumbai Local: આ સ્ટેશનો પર ભીડ થશે ઓછી, તંત્રનો છે આવો નિર્ણય

રાબોડી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંતોષ ઘાટેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કૂટરના ઍક્સિડન્ટમાં મૃત્યુ પામનારા પ્રતીક મોરે અને રાજેશ ગુપ્તા અહીં આવેલા આર-મૉલમાં કામ કરતા હતા. તેઓ નાઇટ ડ્યુટીમાં હતા ત્યારે ઑફિસના સાથી કર્મચારીઓ માટે ચા લેવા નીકળ્યા હતા ત્યારે આ ઍક્સિડન્ટ થયો હતો. સ્કૂટર વધુ પડતી સ્પીડમાં હોવાનું તેમ જ તેમણે દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. ફ્લાયઓવર ચડી ગયા બાદ સ્કૂટર દીવાલ સાથે જોરથી અથડાયું હતું. સ્કૂટર ફ્લાયઓવર પર અને બંને યુવાન ફ્લાયઓવરની નીચે પટકાયા હતા. સ્કૂટર ચલાવી રહેલા પ્રતીક મોરેએ હેલ્મેટ પહેરી હોવા છતાં એ દૂર ફંગોળાઈ ગઈ હતી અને તે નીચે પડતાં તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી. પાછળ બેસેલા રાજેશ ગુપ્તાને પણ આવી જ ઈજા થઈ હતી. બંનેને ગંભીર હાલતમાં સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્કૂટર સારિકા મોરે નામની મહિલાની માલિકીનું છે, જે પ્રતીક મોરેની માતા હોવાનું જણાઈ આવ્યું હતું. અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.’

mumbai news thane