15 November, 2026 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભીડભાડવાળા ધાર્મિક મેળાવડાઓમાં શ્રદ્ધાળુઓની કીમતી વસ્તુઓની ચોરી કરવા બદલ બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી લાખો રૂપિયાની કિંમતનું ૧૪૦ ગ્રામ સોનું મળી આવ્યું છે.
ભિવંડીના કોનગાવ પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ભિવંડીના ઠાકરચા પાડા સ્થિત ખાટુ શ્યામ મંદિરમાં ૧૦ નવેમ્બરે એક ૬૭ વર્ષીય મહિલાની બૅગમાંથી સોનાના દાગીના ચોરાઈ ગયા હોવાની ફરિયાદ નોંધાયા બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી.
સિનિયર ઇન્સ્પેક્ટર મંગેશ બોરસેએ જણાવ્યું હતું કે ‘૧૦૦થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યા બાદ બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. અમે તેમની પાસેથી ચોરાયેલું ૧૪ તોલા (૧૪૦ ગ્રામ) સોનું જપ્ત કર્યું છે. આ બન્ને મહિલાઓ ખાસ કરીને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવવામાં માહિર હતી. તેઓ મંદિરોમાં થતી ભીડ અને ધાર્મિક કાર્યક્રમોનો લાભ ઉઠાવીને લોકોનાં ખિસ્સાં કાપતી અથવા બૅગમાંથી કીમતી વસ્તુઓ ચોરી લેતી હતી.’