04 October, 2025 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ મુંબઈમાં વધતા જતા ટ્રાફિકને કારણે લોકોને પડતી હાલાકી ઓછી કરવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૭૪૫ કરોડ રૂપિયાના ખર્ચે બે મહત્ત્વના કેબલ-સ્ટેય્ડ બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે. પહેલો બ્રિજ ડૉ. ઈ મોઝેસ રોડ (વરલી નાકા)થી સાત રસ્તા અને બીજો બ્રિજ સાત રસ્તાથી કેશવરાવ ખાડે માર્ગ (હાજી અલી) સુધી બનાવવાનું આયોજન છે. આ બન્ને બ્રિજ ૨૦૨૬ની ૩૧ ઑક્ટોબર સુધીમાં પૂરા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ બે બ્રિજને કારણે સાત રસ્તા અને મહાલક્ષ્મી પાસે થતા ટ્રાફિક જૅમથી કેટલાક અંશે મુક્તિ મળી શકશે. સાત રસ્તાથી મહાલક્ષ્મી વચ્ચે બનનારો બ્રિજ ૮૦૩ મીટર લાંબો અને ૧૭.૨ મીટર પહોળો હશે. BMC દ્વારા રેલવે-ટ્રૅક પર બનનારો આ પહેલો કેબલ–સ્ટેય્ડ બ્રિજ હશે. રેલવેની ઉપર બ્રિજની પહોળાઈ ૨૩.૦૧ મીટર હશે. બીજો બ્રિજ ડૉ. ઈ મોઝેસ રોડથી વરલી અને ધોબીઘાટ તરફ જનારો હશે અને એની લંબાઈ ૬૩૯ મીટર હશે.
૨૦૧૬માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)એ જણાવ્યું હતું કે ‘૧૯૨૦માં તૈયાર થયેલા મહાલક્ષ્મી સ્ટેશન પાસે બનેલા બ્રિજ પરનો ટ્રાફિક ઓછો કરવો જરૂરી છે. એથી આ બે નવા બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે અતિક્રમણ, વૃક્ષોનું સંવર્ધન અને રેલવેની પરવાનગીઓ મેળવવામાં ખાસ્સો સમય નીકળી ગયો હતો.’
BMCના ઍડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે સ્પૉટ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. તેમણે ૭૮ મીટર ઊંચા મેઇન બે પિલર ૨૦૦ દિવસમાં પૂરા કરવાનો આદેશ આપ્યો છે. એની સાથે બન્ને બાજુથી પણ સાથે જ કામ ચાલુ કરી દેવામાં આવશે. વરસાદમાં પણ એનું કામ ચાલુ જ રહેશે, જેથી એક જ વર્ષમાં આ બન્ને બ્રિજ ચાલુ કરી શકાય.
પુલના બાંધકામથી અસરગ્રસ્ત થનારાં ઘર અને દુકાનોના પુનર્વસન માટે વૉર્ડ-ઑફિસ જરૂરી પગલાં લેશે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ મેઇન રોડને જોડતા, કનેક્ટ કરતા સ્લીપ રોડ પરથી વાહનોને જવાની પરવાનગી આપવામાં આવશે. આ બન્ને બ્રિજને કારણે ટ્રાફિક જૅમ ઓછો થશે અને એને કારણે લોકોનો સમય અને ઈંધણ પણ બચશે.