02 March, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ફરી પાછી ટકટક ગૅન્ગ સક્રિય બની હોવાનું જાણવા મળ્યું છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે બાદ હવે લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર આ ગૅન્ગે આતંક મચાવ્યો છે. તાજેતરમાં વિદ્યાવિહારના કિરોલમાં રહેતા ૫૧ વર્ષના મયૂર શાહની કુર્લાના LBS રોડ પર ટ્રાફિકમાં કાર અટકાવીને વાતચીત કરવાના બહાને બે અજાણ્યા યુવકો આઇફોન સહિત બે મોબાઇલ તફડાવીને નાસી ગયા હતા. આ મામલે કુર્લા પોલીસે મયૂર શાહની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ ટક-ટક ગૅન્ગથી સાવધાન રહીને ટ્રાફિક અથવા ખાલી રસ્તા પર અજાણી વ્યક્તિના કહેવાથી કારના કાચ ન ખોલવાની સલાહ પોલીસે આપી છે.
મયૂર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે પોણાઆઠ વાગ્યે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)થી હું મારી કારમાં ઘરે જઈ રહ્યો હતો ત્યારે કુર્લાના LBS માર્ગ પર ઉત્સવ બાર નજીક ટ્રાફિક જૅમમાં અટવાયો હતો. અચાનક મારી કારની ડાબી બાજુએથી એક અજાણી વ્યક્તિએ કૈસે ગાડી ચલાતા હૈ કહીને બોલાવતાં મેં કારનો કાચ નીચે કર્યો હતો. જોકે એટલી વારમાં જ કારની જમણી બાજુએ બીજો યુવક આવીને બોલ્યો કે જોઈને ગાડી ચલાવો એટલે મેં બીજી બાજુનો કાચ ખોલ્યો હતો. ટ્રાફિક ક્લિયર થતાં મેં કાર આગળ હંકારી હતી ત્યારે કલ્પના ટૉકીઝ નજીક પહોંચતાં સીટ પર રાખેલા બે મોબાઇલ ફોન ચોરાઈ ગયા હોવાની ખાતરી થઈ હતી. એ પછી મેં મારા બે મોબાઇલ ચોરાયા હોવાની ફરિયાદ કુર્લા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’
કુર્લા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બનાવને લઈને અમે અજાણ્યા યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ટક-ટક ગૅન્ગ ટ્રાફિક જૅમ દરમ્યાન કારનો કાચ ખુલ્લો હોય એનો લાભ લઈને સીટ પર રાખેલી વસ્તુ તફડાવી જાય છે. અમે વાહનચાલકોને ટ્રાફિકમાં સતર્ક રહેવાની અપીલ કરીએ છીએ, ખાસ કરીને LBS માર્ગ અને કુર્લા-વિદ્યાવિહાર વિસ્તારમાં વધતી આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની સૂચના આપીએ છીએ.’