25 September, 2025 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કર્જતથી મુંબઈ તરફ આવતી લોકલ ટ્રેન નીચે અકસ્માતે બે ભેંસ ફસાઈ ગઈ હતી. વાંગણી અને બદલાપુર વચ્ચે થયેલા આ અકસ્માતને કારણે સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનોનું ટાઇમટેબલ ખોરવાઈ ગયું હતું. ખાસ કરીને સવારનો સમય હોવાને કારણે કર્જતથી મુંબઈ તરફ આવતી ટ્રેનો અટવાઈ જતાં બદલાપુર, અંબરનાથ અને કલ્યાણ સ્ટેશનો પર મુસાફરોની ભીડ વધી હતી.
વાંગણી સ્ટેશન નજીક ટ્રૅક પરથી ભેંસોનું ધણ પસાર થઈ રહ્યું હતું. સ્પીડમાં આવી રહેલી ટ્રેને બ્રેક મારી હોવા છતાં બે ભેંસ ટ્રેનની નીચે આવી ગઈ હતી. ટ્રેન અને ટ્રૅક વચ્ચે ફસાયેલી ભેંસને કાઢવા માટે સ્થાનિક લોકોની પણ મદદ લેવાઈ હતી. દરમ્યાન, મુંબઈ તરફ આવતી બે લોકલ ટ્રેન અને એક એક્સપ્રેસ ટ્રેન થોડા સમય સુધી રોકવામાં આવી હતી. થાણે-કલ્યાણ અને થાણે-મુંબઈ કૉરિડોરમાં સવારે ૧૧.૧૫ વાગ્યા પછી સેન્ટ્રલ ટ્રેનનો ટ્રાફિક નિયમિત બન્યો હતો એમ સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું.