24 September, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતગ્રસ્ત બાઇક. તસવીર: આશિષ રાજે
કોલાબાના નાનાભાઈ મૂસા રોડ પર ગઈ કાલે વહેલી સવારે પૂરપાટ ઝડપે જઈ રહેલી બાઇક અચાનક અંકુશ ગુમાવતાં એક બિલ્ડિંગની કમ્પાઉન્ડ-વૉલ સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી. આ રોડ-અકસ્માતમાં બાઇક પર સવાર બે સગાં ભાઈઓ બાવીસ વર્ષના સુમિત વાલ્મિકી અને ૧૫ વર્ષના સંજુ વાલ્મિકીનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
કફ પરેડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃત્યુ પામેલા બન્ને ભાઈઓ કફ પરેડના ગણેશમૂર્તિનગરના રહેવાસી હતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા. આ બનાવ ગઈ કાલે સવારે ૪.૪૫થી પાંચ વાગ્યા દરમ્યાન નાનાભાઈ મૂસા રોડ પર ગંગોત્રી બિલ્ડિંગની કમ્પાઉન્ડ-વૉલ પાસે ઉત્તર તરફ જતા રસ્તા પર બન્યો હતો. સુમિત પોતાની બાઇક ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવી દેતાં બાઇક દીવાલ સાથે ભટકાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બન્ને ભાઈઓને માથા તેમ જ મોંના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક બન્નેને હૉસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.’