નકલી નોટો સસ્તામાં વેચવાની લાલચ આપીને લૂંટી લેવાનું રૅકેટ બહાર આવ્યું

09 April, 2026 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

AIથી બનાવેલી ઇન્સ્ટાગ્રામ રીલ દ્વારા આવી છેતરપિંડી કરતાં મહિલા અને એક પુરુષની થઈ ધરપકડ

સાઇબર પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીઓ.

રાજ્યની સાઇબર પોલીસે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીથી બનાવેલી ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા લોકોને લલચાવીને અને મળવા બોલાવીને લૂંટવાના રૅકેટમાં રાહુલ પવાર અને યોગિતા ભોસલેની બુલઢાણામાંથી ધરપકડ કરી છે. આરોપીઓ સોશ્યલ મીડિયા પર એવા વિડિયો પોસ્ટ કરતા જેમાં મોટી સંખ્યામાં નકલી નોટોનાં બંડલ ખૂબ જ સસ્તા ભાવે વેચાતાં હોવાનું દર્શાવવામાં આવતું હતું. આ વિડિયોને વધુ વિશ્વસનીય બનાવવા માટે ટ્રેન્ડિંગ સૉન્ગના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને એડિટિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યાર બાદ લોકોને નિર્જન સ્થળ પર બોલાવીને તેમને લૂંટી લેતા હતા. આ સંપૂર્ણપણે પૂર્વઆયોજિત છેતરપિંડી હતી અને આરોપીઓ પાસે હકીકતમાં કોઈ નકલી ચલણી નોટો નહોતી. આરોપીઓએ કબૂલાત કરી હતી તેઓ AI ટૂલ્સની મદદથી બનાવેલા વિડિયો દ્વારા એવું દર્શાવતા કે તેમની પાસે મોટી માત્રામાં નકલી નોટો ઉપલબ્ધ છે.

સાઇબર પોલીસે આવી કન્ટેન્ટ પ્રસારિત કરતાં અનેક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ ઓળખ્યા બાદ ૪ ફરિયાદ નોંધી છે. ટેક્નિકલ તપાસના આધારે હાલમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ૨૦૨૪ના અંતથી ૨૦૨૫ની શરૂઆત સુધી ધુળે, જળગાવ અને બુલઢાણા વિસ્તારમાં આવાં ઘણાં અકાઉન્ટ્સ સક્રિય હતાં જે નકલી ચલણી નોટો વેચવાના નામે લોકોનો સંપર્ક કરતાં હતાં.

mumbai news mumbai maharashtra news maharashtra Crime News ai artificial intelligence instagram cyber crime